jump to navigation

પ્રિતનું સુખ રે! (ઊર્મિ કાવ્ય) November 6, 2015

Posted by chimanpatel in : કાવ્યો , add a comment

પ્રિતનું સુખ રે!
તારું મલકંતું રૂપાળું મુખ રે!
નિત નિત એને નિરખું તોયે-
ન જોયાનું થાય મને દુઃખ રે!
તારું મલકંતું રૂપાળું મુખ રે!
પલક પલક થતી પાંપણે તું
વીંઝી રહી છે વીંજણો હેમનો
પ્રેમના પ્રસ્વેદ પર થતી એની
અસર, સમજાવું હું કેમનો?

કામણગારી કીકીને કાંઠડે બેસી
સંતોષવી મારે હૈયાની ભૂખ રે!
તારું મલકંતું રૂપાળું મુખ રે!
સ્મિત છલકાવીને તું તો
મૂંઝવણમાં મૂકી દેતી મને
જાય દિવસ વિચારોમાં તારા ને
રાતે સોલણામાં લપેટી લેતી!

મન મંદિરમાં મૂકીશ વહેતું
પ્રિતનું ક્યારે તું સુખ રે!
તારું મલકંતું રૂપાળું મુખ રે!
**********
*ચીમન પટેલ ‘ચમન’ (૨૧મે૧૯૬૫;ભાવનગર)

મનીષા December 25, 2013

Posted by chimanpatel in : કાવ્યો,Uncategorized , 6 comments

ટહુકાર કો, પારેવા, પપૈયા, મયૂરના,
જગાડી જાય સ્પંદનો પોઢેલ ઉરના.

વરસી રહી ઘરા પર, ઘરા વર્ષા તણી,
નવરાવી મૂકી સ્વજન પોતાનું ગણી.

ચેતના આવી ધરતીમાં, હતી જે સુપ્ત,
મ્હેંકી ઉઠી માટી થઇ જતાં એ તૃપ્ત.

જોડું પારેવાનું કો’ બેઠું લપાઇ ડાળે,
માત બાળની લે, સંભાળ જઇ માળે.

આવી ઉભી બારણે, વિહવળ બની પ્રિયા,
વાટ જોતી પ્રિતમની મૂકીને બધી ક્રિયા.

સૃષ્ટિ સ્નેહમાં આજ તો ડૂબી ગઇ સારી.
ન થઇ મનીષા પુરી, આજ સુધી મારી!
***********
ચીમન પટેલ ‘ચમન’ (૭ ઓગષ્ટ ’૬૪)

નજરકેદ September 22, 2013

Posted by chimanpatel in : કાવ્યો , add a comment

કાતિલ કોઇની નજર,
આવી હથડાય છે-
દિલ પર!
નજરકેદ થઇ-
ધ્રુજાવી જાય
દિલને
બની
દિલકંપ (ધરતીકંપ)!
ચીમન પટેલ ‘ચમન’ (૨૨સપ્ટે.’૧૩)

ગરમી August 5, 2013

Posted by chimanpatel in : કાવ્યો , 1 comment so far

ગરમી!! *ચીમન પટેલ ‘ચમન’ (૦૪ઓગષ્ટ’૧૩)

ગ્રીષ્મની ગરમી સૌને ગૂંગળાવી રહી છે. વરસાદની ચીંતા સહુને સતાવી રહી છે. એમાંયે ‘યાર્ડ’ની કે ખેતરની ખેતી કરતા ખેડુતોનું દયાન આકાશ તરફ જાણે –અજાણે જાય છે. ઍમાયે જ્યારે વાદળો દેખાય છે ત્યારે વરસાદ આજે તો આવશેની આશામાં મન થોડું હળવું થાય છે. જ્યારે વાદળો વાયરા સાથે વિખરાઇ જાય છે ત્યારે મન નિરાશામાં નિચોવાઇ જાય છે.

‘એરકંડીશન’વાળા આલિશાન ઘરમાં, પોતાના પતિ (કે પત્ની) વગર રહેતી વ્યક્તિ, આવા સમયે એ, બાહ્ય અને આંતરિક ગરમીનો અહેસાસ કરતી હોય છે.

૧૯૬૫માં, ભાવનગરની ભૂમીપર,આવા એક ઉનાળાના દિવસે હું બાહ્ય અને આંતરિક ગરમીનો અહેસાસ કરી રહ્યો હતો, ત્યારે આ કાવ્ય રચાયું હ્તું અને ‘સૌરાષ્ટ સમાચાર’ દૈનિકે એને છાપીને મને પ્રોત્સાહિત કર્યો હતો.

તમને મારા ખાસ મિત્ર/સ્નેહી સમજી તમારા વાંચન માટે અહિ ટપકાવું છું.

ઉકળાટ
ક્યાંય આછોય વર્ષાનો ભાર નથી,
એ વાતનો સહુ દિલમાં ઉચાટ છે.
ઋતુનો ન જણાય ક્યાંય રે અણસાર,
ને ગગનમાં ન વાદળનો ગગડાટ છે!
કોના પાપે રે વરસે ન આજ વાદળી,
અનિલની લે’રીએ ખેંચાઇ જે જાય છે.
પશુ, પક્ષી ને ધરતીની વેદના,
જોઇનેય નવ એને કંઇ થાય છે!
વેદના વધારીનેય એ તો વરસી ગયો;
ઉકળાટ ઉરનો મારો ઉરમાં જ રહી ગયો !!

૦ ચીમન પટેલ ‘ચમન’ (૧૧જુલાઇ’૬૫)
(‘સૌરાષ્ટ સમાચાર’ ના ૨૦જુલાઇ’૬૫ ના અંક્માં પ્રગટ)

નવા વર્ષે ! January 5, 2013

Posted by chimanpatel in : કાવ્યો , 1 comment so far

નવા વર્ષે!
(નવા વર્ષે મળેલ અંગ્રેજી સંદેશા પરથી)

આભાર માનું એમનો;
જેમણે-
સંભાળ ખૂબ તો મારી લીધી,
મૂંઝવણ મારી હટાવી દીધી.

આભાર માનું એમનો;
જેમણે-
ચિંતા કરી છે આજ સુધી મારી,
સાથ, એકલતામાં આપી ભારી.

આભાર માનું એમનો;
જેમણે-
તરછોડી મને, એવી તો ખરી સમજણ દીધી,
ગયા નથી દિવસ કોઇના સરખા, આજ સુધી.

આભાર માનું એમનો;
જેમણે-
ધીક્કાર્યો છે, મને એકલાને આજ સુધી,
મજબૂત બનવાની એમણે જ સૂઝ દીધી.

આભાર માનું એમનો;
જેમણે-
રસ, મારા જીવનમાં ઊતરી લીધો;
હું જે છું,એમણે તો બનાવી દીધો!

• ચીમન પટેલ ‘ચમન’ (૦૧જાન્યું’૧૩)

ચૂંટણીના ચણા December 11, 2012

Posted by chimanpatel in : કાવ્યો,Uncategorized , add a comment

ભારતની ચૂંટણીના સોને મીઠા લાગે ચણા,
ખાવા માટે જ ભેગા થાય ચૌટે ને ચોરે ઘણા.

વોટ લેવા વાતો કરે ઉમેદવારો આવીને સારી,
સગાઇ રાખે નહિ ચૂંટાયા પછી તારી ને મારી.

પાટલી પાર્ટીની બદલતાં વાર જ લાગે નહિ,
મેવા ખાવામાં સેવાનો સમય મળે કોને અહિ?

‘મુવી સ્ટારો’ ચૂંટણીમાં હવેતો ઘણા કુદી પડે,
પ્રચાર માટે પરદેશમાંથી પણ થોડા આવી ચડે!

પૈસા લઇ પાર્ટીઓના ગાય સરઘસમાં ગાણા,
ગામના ગવારો પણ થઇ જાય ચૂંટણીમાં શાણા.

ઓળખી કેમ શકે જનતા પહેરે એવાતો વાઘા,
મહીં મહીં જે મરી પડે મૂકીને સિદ્ધાન્તો આઘા.

લોઢું ને લવારનો જે દેશમાં મેળ કદી ન પડે,
મૂંઝવી મારેલાને મારગ ‘ચમન’ ક્યોંથી જડૅ?

* ચીમન પટેલ “ચમન”

ક્યારે આવશે ભાન? November 24, 2012

Posted by chimanpatel in : કાવ્યો , 8 comments

(રાગઃ એક મુરખને એવી ટેવ…..)

એક ડાહ્યાને એવી ટેવ,
પ્રસાદ માટે પૂજે દેવ.

ન્હાયા વગર ન અડે,
નેતાઓના પગે પડે.

લસણ ડુંગળી ના ખાય,
મસાલાથી મોઢું ગંધાય.

ફરે લઇ હાથમાં માળા,
ભક્તિના કરીલે ચાળા.

વાર તહેવારો ખૂબ કરે,
બોલે ત્યારે અંગારા ઝરે.

ગરજે ગધાડાને બાપો કહે,
જીભ પર જાણે ગંગા વહે.

કપટ કરી કરી કમાણી કરે,
ગળે માળાઓ નાખી ફરે.

બોધ બધાને બહું આપે,
સ્વાર્થમાં લોકોના પગ કાપે.

ડીગ્રી મેળવી ના’વ્યું જ્ઞાન,
ક્યારે આવશે ‘ચમન’ ભાન?

* ચીમન પટેલ “ચમન”

દિવાળી November 10, 2012

Posted by chimanpatel in : કાવ્યો , add a comment

કંઈ દિવાળીઓ આવીને ગઈ !
સાપ ગયા ને લિસોટા રહ્‌યા ભઈ!

કંઈ દિવાળીઓ આવીને ગઈ!

સાફ કરે સહું પોતાના ઘર
દિવો પ્રગટાવે અંધકાર પર
સારા કપડાં પહેરી સૌ ફરે
વાનગીઓ બને સારી ઘરે ઘરે.

દિલની સાફસુફી કરવાની રહી,
કંઈ દિવાળીઓ આવીને ગઈ!

પૂજન કરી મેળવવું છે સુખ
દેવ દર્શનથી દૂર કરવું દુઃખ
મંદિરમાં જઈ પ્રદિક્ષણા ફરે
ભાથુ ભાવીનું આ રીતે ભરે.

કૃપા પ્રભુની હજુ નથી રે થઈ,
કંઈ દિવાળીઓ આવીને ગઈ!

સાફ કરે સૌ અંદરના ઘર
રાખે અમિદ્રષ્ટિ સૌની પર
પ્રેમ પૂજન કરી મેળવે સુખ
દૂર કરે જે દુઃખીઓનું દુઃખ

શાંતિ ઘરની સૌની લૂંટાઈ રહી,
કંઈ દિવાળીઓ આવીને ગઈ!

કે’વા જોઈએ ‘ચમન’ને સાચું
ભલે લાગે કોઈને કડવું ને ખાટું
ચાલી હરિફાઈ મંદિરોમાં જયાં
વાનગીઓ અનેક અન્નકૂટમાં ત્યાં

ભગવાન, ભાવનાનો ભૂખ્યો ભઈ,
કંઈ દિવાળીઓ આવીને ગઈ!

૦ ચીમન પટેલ ‘ચમન’

માતમાં ! May 13, 2012

Posted by chimanpatel in : કાવ્યો,Uncategorized , 6 comments

શીતળતા ચાંદની નીતરે છે માતમાં,
ઉષ્મા સૂર્યની હૂંફમાં મળે છે માતમાં.

ઊંચાઇ પર્વતોની મપાય છે માતમાં,
પાણી પાતાળના પિવાય છે માતમાં.

લંબાઇ નદીઓની દેખાય છે માતમાં,
ઊંડાઇ દરિયાની મપાય છે માતમાં.

ઉડ્ડયન પંખીઓનું મણાય છે માતમાં,
વફાદરી પશુઓની જણાય છે માતમાં.

ગગડાટ વાદળનો સંભળાય છે માતમાં,
હાલરડાનું સંગીત સમજાય છે માતમાં.

નમ્રતા નારીની પણ નીતરે છે માતમાં,
મર્દાનગી મર્દની જોવા મળે છે માતમાં.

સારા શિક્ષણની એક શાળા છે માતમાં,
બધાજ ધર્મોની એક માળા છે માતમાં.

ભોળપણ બાળકનું છલકાય છે માતમાં,
ચતુરાઈ ચાણક્યની ‘ચમન”છે માતમાં.

* ચીમન પટેલ “ચમન”

ઉકળાટ January 21, 2012

Posted by chimanpatel in : કાવ્યો , add a comment

ક્યાંય આછોય વર્ષાનો ભાર નથી,
એ વાતનો સહુ દિલમાં ઉચાટ છે.

ઋતુનો ન જણાય ક્યાંય રે અણસાર,
ને ગગનમાં ન વાદળનો ગગડાટ છે!

કોના પાપે રે વરસે ન આજ વાદળી,
અનિલની લે’રીએ ખેંચાઇ જે જાય છે.

પશું, પક્ષી ને ધરતીની વેદના,
જોઇનેય નવ એને કંઇ થાય છે!

વેદના વધારીનેય એ તો વરસી ગયો;
ઉકળાટ ઉરનો મારો ઉરમાં જ રહી ગયો !!

૦ ચીમન પટેલ ‘ચમન’
૧૧-૭-‘૬૫
(‘સૌરાષ્ટ સમાચાર’ ના ૨૦/૭/૬૫ ના અંક્માં પ્રગટ)

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.