ધર્મીને ત્યાં ધાડ !! • લેખકઃ ચીમન પટેલ ‘ચમન’ October 31, 2013
Posted by chimanpatel in : ટુંકી વાર્તા , trackbackમેઘાને ‘ગ્રોસરી સ્ટોર’માં મારે અવાર નવાર મળવાનું થતું હતું.
બંને ગુજરાતી હોઇ ‘કેમ છો?’ નો અમારો વહેવાર હતો, પણ કોઇક કોઇક વાર અમે એક બીજાના કુટુંબીઓની વાત કાઢીને, સ્ટોરમાં થોડો સમય પસાર કરી લેતા હતા.
આજે મેઘાએ મને સ્ટોરમાં જોતાં જ ઉભો રાખ્યો ને કહ્યું; ‘મારે તમને એક વાત કરવી છે જો તમારી પાસે થોડો સમય હોય તો?’
‘સ્યોર’, મારે કોઇ ઉતાવળ નથી!’ મેં કહ્યું.
મેઘાએ વાતની શરુઆત કરી; ‘તમે મારા દિકરા વિશે જે સલાહ આપી હતી એ સાચી પડી!’
વાત એમ હતી કે અમારી એક બીજાના કુટુંબોની વાતોમાં એક વાર મેં મેઘાને પુછેલું; ‘તમારા કુટુંબમાં તમે કોણ કોણ છો?’
મેઘા બોલી; ‘‘હું અને મારો ૧૮ વર્ષનો દિકરો બસ.’
‘કેમ, તમારા ‘હસબન્ડ’….’ હું આગળ બોલવા જાઉ ત્યાં જ મેઘા બોલીઃ ‘એ, બે વર્ષ પહેલા ‘હાર્ટએટેક’ માં ગુજરી ગયા!’.
મેં દિલસોજી વ્યક્ત કરી અને ત્યારથી મને મેઘા માટે કુણી લાગણી પેદા થઇ હતી.
એક દિવસે એણે, સામે ચડીને, મને એના દિકરા કુનાલની પ્રશંસા કરતાં એના એક સારા કામની વાત કરી.
કુનાલ એક દિવસ એની ગાડીમાં ‘ગેસ’ ભરી રહ્યો હતો ત્યારે બાજુના પંપ પર ‘ગેસ’ ભરવા પ્રયત્ન કરતી એક દેખાવડી ‘મેક્સીકન’ યુવતિએ કુનાલ પાસે આવી, પેટ્રોલ ભરવા થોડા પૈસા આપવાની કામણ હાસ્ય સાથે માગણી કરી. કુનાલે એના પાકીટમાંથી દસ ડોલર કાઢીને એને આપ્યા. હાસ્ય વેરતી, આભાર માની એ એની ગાડી માં ‘ગેસ’ ભરવા લાગી.
આ વાત મેઘાએ મને જ્યારે કહી ત્યારે મેઘાને મારાથી કહેવાઇ ગયું હતું; ‘ધર્મીને ત્યાં ધાડ કેમ પડતી હશે’?
મેઘા બોલી;‘હું સમજી નહિ! તમે શું કહેવા માગો છો?’
મેઘાને ચેતવણી આપતાં મે ઉમેર્યું; ‘મેઘાબેન, અત્યારનો સમય સારા માણસો માટે નથી. આજકાલ આવી દેખાવડી છોકરીઓ ભલા માણસોનો લાભ લઇ એમને જ ફસાવતી હોય છે. ભલમણસાઇનો જમાનો હવે રહ્યો નથી! સારા માણસો આ ભૂલી જાય છે એમની ભલમણસાઇના જોશમાં!
આજે મેઘાને એના દિકરા કુનાલની કોઇ બીજી સારી ભલમણસાઇની વાત કહેવી હશે એવું મને લાગ્યું.
મેઘાએ વાતની શરુઆત કરી.
ગઇ વખતની જેમ, એજ પંપ પર, પેલી ‘મેકસીકન’ છોકરીએ ફરી કુનાલ પાસે આવીને પૈસાની માગણી કરી ત્યારે કુનાલે આ વખતે દિલગીરી સાથે એ છોકરીને કહેવું પડ્યું ‘ ‘સોરી’, મારી પાસે તમને આપવા જેટલા પૈસા નથી’
‘ઓકે’ કહી એ તો એની ગાડી પાસે ગઇ અને ફોન પર વાત કરવા લાગી જે કુનાલે જોયું અને એને થયું કે ‘બલા ગઇ’!
પાંચ મિનિટમાં તો પોલીસ ત્યાં આવી ગઇ! પોલીસની પૂછપરછમાં પેલી યુવતિએ પોલીસને કહ્યું; ‘ મારે થોડા પૈસા ગેસ માટે ખૂટતા હતા તો આ યુવાન પાસે પૈસાની માગણી કરી તો એણે પૈસા આપવાની સામે ‘સેક્સ’ની માગણી મૂકી. પોલીસ કુનાલ પાસે આવીને પેલી યુવતીની વાત કુનાલને કહી. કુનાલ પોલીસને કહેતો રહ્યો કે એ યુવતી ખોટું બોલે છે. એણે એવું કહ્યું જ નથી! આગળની એ છોકરીની વાત કુનાલ કહેવા જતો હતો, પણ પોલીસે કુનાલને પુરો સાંભળ્યા વગર જ એને હાથકડી પહેરાવવા જતો હતો ત્યાં જ આ બધું નિહાળતો સ્ટોરનો ભારતીય માલિક દોડતો ત્યાં આવી પહોચ્યો. એ માલિકે પોલીસને કહ્યું; ‘હું આ પંપનો માલિક છું ને આ છોકરી આવી રીતે લોકોની પાસેથી પૈસા પડાવે છે એ મેં જોયું છે. કેટલાયે દિવસોથી હું આની ફરિયાદ પોલીસને કરવા વિચારતો હતો. આ છોકરાને હું સારી રીતે જાણું છું. મને આ મોકો મળતાં આ છોકરીને આજે ખુલ્લી પાડવા દોડતો આવ્યો છું. આ છોકરો બિલકુલ નિર્દોષ છે. હું એની આપને ગેરંટી આપું છું.
આ સાંભળી પેલી છોકરી તો ઝટ ગાડી ચાલું કરીને ત્યાંથી ભાગી અને એની પાછળ ભાગી પોલીસ.
કુનાલે એ માલિકનો ખુબ ખુબ આભાર માન્યો એને આ ન કલ્પેલા સંકટમાંથી બચાવવા માટે .
બસ, આ જ વાત મેઘાને મને કહેવી હતી. ધર્મીને ત્યાં કેમ ધાડ પડે છે એ વાત એને હવે સમજાઇ ગઇ હતી!!
(૨૦ઓક્ટોબર’૧૩)
**********************************************
Comments»
saras vaat
ચેતવા જેવી વાત- મારા જેવા માટે તો ખાસ.
નવીન બેન્કર
સત્ય ઘટના લાગે એવી આ વાર્તા ગમી .
આ વાર્તામાં ચેતીને ચાલવાનો સંદેશ છે .
આ વાર્તાનું શીર્ષક ધર્મીને ત્યાં ધાડ પણ યોગ્ય છે
આજના સમયમાં કોઈની ઉપર પણ વિશ્વાસ કરવો બહુજ કઠીન છે.
આદરણીય વડિલ ચિમનકાકા
દિપાવલીની શુભ કામના ને નુતન વર્ષાભિનંદન
“વિશ્વાસે વહાણ ચાલે છે આ દુનિયામાં
વિશ્વાસે અનેક્ને ડુબાવ્યા છે આ દુનિયામાં”
સારા કાર્યમાં અનેક વિધ્નો આવે છે.
પ્રતિભાવો માટે સૌનો હું આભારી છું.
‘ચમન’
સાચે જ ચેતીને ચાલવા જેવો સમય આવી ગયો છે.