લધુકથા કોને કહેવાય એ સમજીએ- ચીમન પટેલ ‘ચમન’ June 19, 2015
Posted by chimanpatel in : Uncategorized , 6 comments ટૂંકી વાર્તા અને લઘુકથાને સમજીયે!
(‘ગુજરાતી લઘુકથાસંચય’ના આમુખમાંથી ટૂંકાવી’)
• ચીમન પટેલ ’ચમન’
ટૂંકી વાર્તા અને લઘુકથા બંનેને જીવન સાથે સરખી નિસબત છે. ટૂંકી વાર્તાના સર્જક પાસે મોકળૂં મેદાન છે. લઘુકથાની રચનારીતિ આથી ઊલટી પ્રક્રિયામાં ચાલે છે, વિવિધ પ્રસંગો યોજીને ઘટનાઓનું ગુંફન કરવા માટે એની પાસે મોકળું મેદાન નથી. લઘુકથાના સર્જકે એક જ ઘટનાના આધારે સર્જેયેલા સિચ્યુએશન ઉપર સઘળો આધાર રાખીને ભાવક્ને વિશિષ્ટ ભાવપરિસ્થિતિમાં મૂકવાનો હોય છે, એટલું જ નહીં; એણે ક્યારેક આવશ્યક ઘટનાઓને પણ પડદા પાછળ રાખીને કૃતિની રચના કરવી પડે છે.
ટૂંકી વાર્તા માનવીના અંતઃકરણ સુધી પહોંચીને એના મનની સૂક્ષ્મ લીલાનું આલેખન કરે છે એ ખરું, પણ લઘુકથાનો પુરુષાર્થ એથી પણ આગળ વધીને માનવીના ચિત્તનાં એવાં ઊંડાણ, કે જ્યાં ટૂંકી વાર્તાની પહોંચ ન હોય, તાગીને માનવજીવનના કોઇ ને કોઇ રહસ્યને પ્રકાશમાં લાવવાનો હોય છે.આ રહસ્યની ખોજમાં સિચ્યુએશનની પસંદગી લઘુકથાના સર્જક માટે કલાસૂઝની ખરી કસોટીરૂપ બની રહે છે.
લઘુકથા ટૂંકી વાર્તા નથી તેમ એ ટૂચકો પણ નથી. લઘુકથા એ કલાકૄતિ છે. લઘુકથા જીવનની સંવેદનાના અર્કનું એક બિન્દું છે. એને ભાવક પોતાના જ જીવનના અનુભવના જળમાં મેળવીને એનો આસ્વાદ ફરી ફરી માણી શકે છે.
એક્ની એક વાત ફરી ફરી કહેવાની આપણી રીત પ્રમાણે, લઘુકથાના લેખકે વિચાર કે વિગતનું પુનરાવર્તન ન થાય એ બાબતે કાળજી રાખવી જોઇએ.
આપણા લખાણોમાં ‘અને’, ‘એટલે’,’તેથી’ જેવા શબ્દો જરૂર ન હોય ત્યાં પણ આવ્યા કરે છે. લઘુકથામાં આવા બિનજરૂરી અને વળગણરૂપ શબ્દોને માટે સ્થાન નથી.
ટૂંકી વાર્તા વાંચ્યા પછી ભાવક્ને જેટલી તૃપ્તિ થાય એટલી જ તૃપ્તિ લઘુકથાના વાંચન પછી પણ થાય.
સ્વ ભોળાભાઈ પટેલના શબ્દોમાં..લઘુકથાને કલાત્મક ઊંચાઇએ પહોંચાડવાનું શ્રેય શ્રી મોહનલાલ પટેલને ફાળે જાય છે.
આ મુદ્દાઓને સમજવા/પચાવવા ‘ગુજરાતી લઘુકથાસંચય’ પુસ્તકની કેટલીક લઘુકથાઓ વાંચીએઃ
(૧) આવલંબન – રતિલાલ બોરીસાગર
આખરે હસુબેને પોતાના દિવંગત પતિનાં પુસ્તકો શહેરના જાહેર ગ્રંથાલયમાં ભેટરૂપે આપી દેવાની સંમતિ શ્રીકાન્તને આપી. ‘બા, બાપુજીએ એકઠાં કરેલાં આટલા બધાં પુસ્તકોનો આપણને કશો ખપ નથી. અહીં એ ધૂળ ખાય એના કરતાં શહેરની જાહેર લાઈબ્રેરીમાં કેટલા બધા લોકો એનો ઉપયોગ કરવાના! અને મારા બાપુજીનો આત્મા પણ એનાથી કેટલો બધો રાજી થવાનો!’ શ્રીકાન્ત કેટલાયે દિવસથી આ વાત ધૂટી ઘૂટીને કરતો હતો. એની વાત ખોટીયે ક્યાં છે? વિનુભાઈએ ખૂબ પ્રેમથી વસાવેલાં પુસ્તકોમાં આ છોકરાઓને કશો રસ નહોતો. વિનુભાઈના મૃત્યું પછી હસુબહેને ત્રીસ ત્રીસ વર્ષ સુધી આ પુસ્તકો જીવન ઈ જેમ જાળવ્યા હતાં. હસુબેન દર મહિને પુસ્તકો કબાટમાંથી બહાર કાઢતાં, કબાટ સાફ કરતાં, પુસ્તકો ઝાપટતાં ને પછી સાચવીને પુસ્તકો કબાટમાં પાછાં મૂકતાં. એમાંના કોઈપણ પુસ્તકને હાથ અડકાડતાં, દમયંતીના હાથમાં સજીવન થઈ ઊઠેલાં મત્સ્યની જેમ વિનુભાઈ સાથે વિતાવેલાં વર્ષો સજીવન થઈ ઊઠતાં-આ બધું એ શ્રીકાન્તને કેવી રીતે સમજાવે?
*
પુસ્તકો લઈને મોટી મોટી ચાર લારીઓ રવાના થઈ ત્યારે હસુબહેને અત્યાર સુધી માંડ કાબૂમાં રાખેલું હૈયું હાથ ન રહ્યું. એ ધ્રુસકે ધ્રુસકે રડી પડયાં. એમને છાના રાખતાં શ્રીકાન્તે કહ્યું; ‘બા, તમે હા પાડ્યા પછી જ આપણે…..’
‘હા, મેં જ, મેં જ તારા બાપુજીને આજે ઘરમાંથી સાવ વળાવી દીધા…સાવ…..’ ને હસુબહેન પાછાં મોટેથી રડી પડયાં.
(૨) ઠેસ- મોહનલાલ પટેલ
પુત્રવધુ બજારમાંથી કાપડ ખરીદી લાવી અને સાસુને ઉમળકાભેર બતાવી રહી હતી. થોડી વાર સુધી કાપડના જુદા જુદા પીસ બતાવ્યા પછી વહું એ જોયું કે સાસુના ચહેરા પર પ્રસન્નતાની કોઈ મહોર અંકિત થતી નથી. એટલે એણે કહ્યું; ‘આમાંથી કોઈ પીસ ન ગમ્યો, મમ્મી?’
સાસુએ જાત સંભાળી લીધી. અને કહ્યું;’કેમ ન ગમે?’ બધું કાપડ સરસ છે.’
વહુંને સાસુના શબ્દોમાં રણકાર જણાયો નહીં એટલે એણે બધા પીસ સંકેલી લીધા અને એમને કબાટમાં મૂકતાં મનોમન બોલી; ‘કોણ જાણે શું છે તે કાપડની વાતમાં જ એમનું મોંઢું ચડી જાય છે!;
દીકરો ઘણું કમાતો હતો. ગરીબીના કપરા દિવસો કમુબેન માટે હવે ભૂતકાળ બની ગયા હતા. ઘરમાં સુખસગવડનાં સાધનોની ઘણી ખરીદી થતી હતી. એ જોઈને કમુબેન રાજી થતાં, પણ વહું જ્યારે મોંઘું કાપડ લઈ આવતી ત્યારે એમનું મોઢું પડી જતું. એવે સમયે એમને એક વખત દીકરીની આંખમાં ડળકી ગયેલાં આંસુ યાદ આવી જતાં. દીકરીએ ઊનાળાના વેકેશનમાં રાત-દિવસ કપાસનાં કાલાંને ફોલીને મજૂરીની સારી રકમ એકઠી કરી હતી. જૂનમાં કોલેજ ઊધડે એ પહેલાં એ આ રકમનું કાપડ ખરીદી લાવી અને હોંશે હોંશે માને બતાવવા લાગી.
કાપડ ગમવા ન ગમવાની વાત બાજુએ રહી. માએ કહ્યું;’કાલાંની રકમ તો તારી ફી અને ચોપડીઓ માટે હતી અને તું આ શું લઈ આવી? આવું મોધું કાપડ આપણને પોસાય? તને ભણાવવાની છે, મોટીને પરણાવવાની છે, ઘરના ખર્ચા કાઢવાના છે. આપણને આવો વૈભવ ન પોસાય બેટા!’
માની વાત સાચી હતી. એની મજૂરીની પર ઘર નભતું હતું. એ દીકરી સમજતી હતી. એટલે તો એનો ઉત્સાહ એકાએક પાણીના તરંગની જેમ વિસર્જિત થઈ ગયો અને એની આંખમાં આંસુ તગી રહ્યાં.
વહુ જ્યારે મોંઘું કાપડ ખરીદી લાવતી, ત્યારે કમુબેન રાજી તો થતાં પણ એમની સ્મૃતિમાં દીકરીવાળો પ્રસંગ તાજો થઈ આવતો અને એમનું મન બોલી ઉઠતું;‘દીકરી બિચારી પહેલી વાર કોલેજમાં પહેરવા સારું કાપડ લઈ આવી, અને મૂઈ હું એ ન જીરવી શકી!’
હૈયાની આ એક ઠેસ કમુબહેનના ચહેરા ઉપર રાજીપો લાવવા ન દેતી. વહું આ ક્યાંથી જાણે?
(૩) હોળી-લિપિ પટેલ
દસમીમાં ભણતા રાકેશને થતું કે બા નહીં માને. છેવટે રજા માગીઃ
‘મા, બધાં હોળી રમે છે તે હું…..?
‘હોળી’ શબ્દ કાને અથડાતાં બાનું મન નાનું થઈ ગયું..વીસ વર્ષનું!
-પોતે ય રજા લઈને હોળી ખેલવા દોડેલી. બાપ રે, ચારે બાજુથી રંગાઈ હતી. મુવો….,હોળીના રંગની સાથે બીજો એક રંગ ભળી ગયો તે ભળી ગયો. બીજા રંગો તો ધોવાઈ ગયા પણ…વાત માનેતો મોટેરાં શાનાં ! છેવટ અભ્યાસ પડતો મૂકાવી હાથ પીળા કરી નાખ્યા….પણ એ રંગ તો હજીયે ઊઘડયા કરે છે દર હોળીયે..
‘જઉં મા ? રાકેશના બીજીવારના અવાજથી એનું ચિત્ત વાસ્તવની સપાટીને સ્પર્શ્યું.
‘જા પણ…જૂનો ડ્રેસ પહેરતો જા તે રંગોમાં….’
-તેમની આંખોમાં જાણે વિવિધ રંગોની ઝાંય છલકાઈ…..
(૪) વાસી ખબર- પ્રકાશ બી. પુરોહિત ‘નિર્દોષ
પત્નીનિ પ્રસવ્વેદનાની ચીસો ઓરડાની બહાર સાંભળતાં, આમતેમ આંટા મારતા હર્ષ્દરાયને આવીને દાયણે વધાઈ ખાધી; ‘બાબલો જન્મ્યો છે.’ સાંભળી હર્ષદરાયે તેને પાંચનિ નોટ બક્ષિસમાં આપી દીધી, અને ફળિયા વચ્ચોવચ્ચ થાળી વગાડી નાચી ઉઠયા.
પચ્ચીસ વર્ષ પછી હર્ષદરાય અને તેમનો સુપુત્ર સુગમ મેટરનીટી હોમના બાંકડે બેટઃઆ હતા. નર્સે આવી કહ્યું ;’પુત્ર જન્મ્યો છે, તમે દાદા બન્યા છો!’ સાભળી ખિસ્સામાં હાથ નાખવા જતા હર્ષદરાયને આંખના ઈશારાથી ના પાડી સુગમ બોલ્યોઃ’સારુ સારુ તું અહીં થી જા. અમને ખબર જ હતી, પુત્ર જન્મશે એની.’
(૫) પહેલો નંબર- ભાનુ પ્રસાબ પંડ્યા
માનસ અને ઋજલ બંને એક જ શાળામાં એકજ વર્ગમાં સાથે ભણતા હતા. બેય મિત્રો એમના અભ્યાસમાં ગણા તેજસ્વી હતા. સાથે વાંચતા, લખતા અને રમતા. શાળામાં પહેલા ધોરણથી છેક ચોથા ધોરણ સુધી પહેલો-બીજો નંબર લઈને તેઓ શિક્ષ્કોને પ્રસન્ન કરતા પ્રગતિ કરી રહ્યા હતા. એવું થતું કે અર્ધવાર્ષિક પરીક્ષામાં માનવ પહેલો આવે , પણ વાર્ષિક પરીક્ષામાં ઋજલ પહેલા ક્રમે હોય જ ! આથી માનસ કહેતોઃ ‘ઋજુલ, તું અજોડ છે, મેં તો હાર કબૂલી, પહેલો નંબર લેવાની ઝંખના મેં છોડી દીધી છે !’
ઋજુલ કહેતોઃ ‘એવું કાંઈ નથી. મહેનત કરવાથી તું પણ એ સ્થાન મેળવી શકે. પહેલો નંબર મારો જ આવે એવું નથી.’
ચોથા ધોરણની વાર્ષિક પરીશા આવી. બેય મિત્રોએ ખૂબ મહેનત કરી. સાથે વાંચતા, લખતા, નાસ્તો કરતા અને પરીક્ષાની તૈયારી કરતા. પરીક્ષા પૂરી થઈ, પરિણામ આવ્યું. સૌ વિદ્યાર્થીઓના આશ્ચર્ય વચ્ચે માનસ પહેલા ક્રમે આવ્યો છે એવી જાહેરાત થઈ. બધાએ તાળીઓ પાડી. મનસે ટક્કર આપીને જૂના હરીફને પાછળ રાખી દીધો. ઋજુલે પણ અભિનંદન આપ્યા.
પછી એક્વાર માનસને રસ્તામાં ભેગાથઈ ગયેલા ગણીતના શિક્ષ્ક રામલાલે કહ્યું ; ‘આ વર્ષે કોણ જાણે કેમ પણ ઋજુલે સાવ સહેલા લાગતા બે દાખ્લા તદ્દન ખોટા ગણ્યા હતા!’
***********************
‘ગુજરાતી લઘુકથાસંચય’
સંપાદનઃ મોહનલાલ પટેલ અને પ્રફુલ્લ રાવળ
શતાબ્દી ગ્રંથ શ્રેણી
પુસ્તકઃ૨૭
(૭૬ લઘુકથાઓ)