મળે ન મળે! October 6, 2013
Posted by chimanpatel in : ગઝલ,Uncategorized , trackbackજમીલો પકવાન પેટ ભરી, ફરી મળે ન મળે!
લખીલો તમે ગઝલ, શબ્દ ફરી, મળે ન મળે!
વિદેશે ફરવાનું હવે થઇ ગયું છે એવું તો સહેલું,
મન ભરી ફરીલો તક આ પછી, મળે ન મળે!
કરી રાખ્યું છે ઘન ભેગું આજ સુધી તો ઘણું,
દઇ દો દાનમાં થોડુ લેનારા વળી, મળે ન મળે!
કરી છે તમે વાતો ખોટી ઘણી બધી આજ સુધી,
કહિ દો હવે તો સાચું, સાંભળનાર ફરી, મળે ન મળે!
નવા વર્ષે જાય છે તું દોડતો મંદિરે દર્શને તો કાયમ,
કરી લે દર્શન માબાપના ઘરમાં પછી, મળે ન મળે!
નથી જાણતા કોઇ, આ દિલ બંધ પડી જાશે ક્યારે,
કરીલે હવે તું માનવ દર્શન દિલ ભરી, મળે ન મળે!
નવું તે શું જાણ્યું સભાઓમાં જઇ જઇ ‘ચમન’
મહીના અવાજ્ને તું સાંભળ કદી, મળે ન મળે!
• ચીમન પટેલ ‘ચમન’ (૨૫માર્ચ’૧૨)
Comments»
ગુજરાતીલેક્સિકોન, ભગવદ્ગોમંડલ, લોકકોશના સ્થાપક અને ભાષાકીય પ્રવૃત્તિમાં હંમેશા આગળ રહેનાર શ્રી રતિલાલ પ્રેમચંદ ચંદરયા ઉર્ફે પૂજનીય રતિકાકા જેઓ પોતાના સમગ્ર જીવનકાળ દરમ્યાન તેમના સંપર્કમાં આવતાં દરેક લોકોને માટે એક પ્રેરણાસ્રોત સમાન રહ્યા છે તે આજે આપણા સૌની વચ્ચે હયાત નથી. વિજયાદશમીને દિવસે જન્મેલા રતિકાકાએ વિજયાદશમી (13 ઑક્ટોબર 2013)ને જ પોતાના જીવનનું અંતિમ બિંદુ બનાવ્યું છે. રતિકાકા એક જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર હતા.
શ્રી પ્રેમચંદ ચંદરયા અને શ્રીમતી પૂંજીબહેન ચંદરયાના પનોતા પુત્ર શ્રી રતિલાલ ચંદરયાનો જન્મ 24 ઓક્ટોબર, 1922ના થયો હતો. પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે નૈરોબી અને મોમ્બાસામાં લીધું હતું. શૈક્ષણિક કાળ દરમ્યાન તેઓ યુવા પ્રવૃત્તિઓ, રમતગમત, યોગવિદ્યા વગેરે પ્રવૃત્તિમાં સક્રિય રીતે જોડાયેલા હતા. શરૂઆતના દિવસોમાં તેઓ જૈન યુથ લીગ, નૈરોબીના એક સભ્ય હતા. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન સપરિવાર તેમણે ભારતમાં સ્થળાંતર કર્યું. આ સમયગાળા દરમ્યાન પોતાનો અભ્યાસ ચાલુ રાખવાને બદલે તેમણે પરિવારના પરંપરાગત વ્યવસાયમાં જોડાવવાનું નક્કી કર્યું. ભારતમાં તેમણે ઘણાં નવાં ઔદ્યોગિક સાહસોની સ્થાપના કરી અને પોતાની દૂરંદેશી અને સૂઝબૂઝથી આયાત–નિકાસનો ધંધો વિકસાવી તેનું વિસ્તરણ પણ કર્યું.
નૈરોબીમાં જન્મેલાં વિજ્યાલક્ષ્મીબહેન સાથે તેમનાં લગ્ન, ઈ.સ. 1943માં જામનગર મુકામે થયાં. એક પુત્રી, ત્રણ પુત્રો અને આઠ પૌત્ર–પૌત્રીઓ અને દૌહિત્ર-દૌહિત્રીઓનો બહોળો પરિવાર તેઓ ધરાવે છે. 1946માં તેઓ નૈરોબી પાછા ફર્યા અને સક્રિય રીતે પોતના વ્યવસાયમાં જોડાયા અને વ્યાવસાયિક કારણોસર તેઓ અવારનવાર પૂર્વ અને મધ્ય આફ્રિકાની સફર ખેડતા રહ્યા. તેમની પચાસીના શરૂઆતના વર્ષોમાં તેમના પરિવારજનોએ કેન્યા અને બીજા દેશોમાં વ્યાવસાયિક વિસ્તરણ કરવાનો રસ દાખવ્યો. તેમણે 1960માં દાર-એ-સલામમાં વસવાટ કર્યો અને ત્યારબાદ 1965માં યુરોપીય દેશોમાં વ્યાપારના વિસ્તરણ માટે લંડન ખાતે વસવાટ કર્યો. લંડનના વસવાટ દરમ્યાન અમેરિકામાં ધંધાકીય શક્યતાઓ તેમણે ચકાસી. દક્ષિણ-પૂર્વ એશિયામાં ધંધાકીય વિસ્તરણ કરવા માટે સિંગાપોરમાં તેમણે 1975માં વસવાટ કર્યો તે પહેલાં ટૂંકા ગાળા માટે તેઓ જીનીવા રહ્યા હતા. સ્થાનાંતરણ અને વિસ્તરણના સમગ્ર ગાળા દરમ્યાન તેઓ એક સશક્ત ઉદ્યોગસાહસિક તરીકે ઊભરી આવ્યા અને તેમણે વિવિધ ખંડો અને દેશોમાં પોતાની પારિવારિક મૂડી અને સંપત્તિનું રોકાણ કર્યું.
વ્યાપારી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સિવાય તેઓ છેલ્લાં 65 વર્ષથી આફ્રિકા, એશિયા, ઇન્ડોનેશિયા, ચીન, જાપાન, કેનેડા, યુનાઇટેડ કિંગડમ વગેરે દેશોમાં અનેક સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે મહાત્મા ગાંધી એવોર્ડસ, ભારતીય જીમખાના, જૈન સેન્ટર, જૈન ફેલોશીપ સેન્ટર વગેરેમાં પણ સક્રિય રીતે જોડાયેલા હતા. સમાજના પુનુરુત્થાન માટેની પ્રવૃત્તિઓ માટે પોતાનો સમય અને બુદ્ધિ પ્રતિભાનો ઉપયોગ કરવાના તેઓ હંમેશાં હિમાયતી રહ્યા છે.
આ સિવાય તેમનું પ્રદાન નીચે જણાવેલી અન્ય સંસ્થાઓમાં પણ રહ્યું છે :
1972માં તેઓ યુગાન્ડામાંથી નિર્વાસિત લોકોના કલ્યાણ માટે નિર્મિત એમ્પ્લોયમેન્ટ વર્કિંગ પાર્ટી ઑફ કો–ઓર્ડિનેટિંગ કમીટીના એક સભ્ય હતા.
1972માં ભારતીય વિદ્યા ભવનની એક્ઝીક્યુટીવ કમિટીના સભ્ય તરીકે નિમાયા.
1973માં તેઓ બે વખત ઓશવાલ એસોશિયેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા
ભવનની ભંડોળ એકત્ર કરનારી સમિતિના વાઇસ ચેરમેન પદેથી તેઓ 1975માં રિટાયર્ડ થયા ત્યાં સુધી ભવનની ભંડોળ એકત્ર કરનારી સમિતિના તેઓ જનરલ સેક્રેટરી, ચેરમેન તરીકેની ફરજો નિભાવી છે
ઈ.સ. 1980માં સંગમ, એસોશિયેશન ઑફ એશિયન વુમેનના ટ્રસ્ટી.
1982માં ભારતીય જીમખાનાના ટ્રસ્ટી અને 1985માં તેના ચેરમેન બન્યા.
ડિસેમ્બર 1991માં ભારતીય તહેવારો ટ્રસ્ટના ટ્રસ્ટી અને તહેવાર કમિટીના મેમ્બર બન્યા.
એસોશિયેશન ઑફ એશિયન ઇન યુકેના ફાઉન્ડર ચેરમેન
ઓશવાલ એસોશિયેશન યુકેના ચેરમેન અને બોર્ડ ઑફ ટ્રસ્ટી તરીકે બે વખત ચૂંટાયા
‘ઇન્ટરનેશનલ ફોરમ ઑફ ઓવરસીઝ ઇન્ડિયનસ’ના સ્થાપક
‘ઇન્ડિયન સ્પોર્ટસ અને ફિઝિકલ ફાઉન્ડેશન’ના સ્થાપક ટ્રસ્ટી
‘ઇન્સ્ટીટ્યુટ ઑફ જૈનોલોજી, લંડન અને અમદાવાદ’ના સ્થાપક અને ચેરમેન
‘ઇન્ટરનેશનલ સેક્રેડ લિટરેચર ટ્રસ્ટ, લંડન’ના ટ્રસ્ટી
પાલીતાણા ખાતે આવેલ ‘ઓશવાલ યાત્રિક ગૃહ’ના ટ્રસ્ટી.
જામનગર સ્થિત ‘હાલારી વિશા ઓશવાલ દેરાસર ટ્રસ્ટ’ના ટ્રસ્ટી
ગુજરાતી ભાષાના સ્રોત તરીકે રજૂ કરવામાં આવેલ ગુજરાતીલેક્સિકોનના સ્થાપક તરીકેની તેમની ઓળખ સૌથી વધુ પ્રચલિત છે. ‘મારે મારી માતૃભાષા માટે કંઈક કરવું છે’ બસ આ એક જ લગની તેમને આ પ્રકલ્પ સુધી લઈ આવી અને માટે તેમણે 25 વર્ષ કરતાં વધુ સમય તેની પાછળ આપ્યો છે. ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ અને રુચિ ધરાવનારા લોકો માટે ગુજરાતીલેક્સિકોનને એક સેતુ સમાન બનાવવાની મહેચ્છા દાખવતા હતા. તેમની ભાષા માટે કંઈક કરી છૂટવાની ઘેલછા અને ઉત્સાહની મહેંક આજે વિવિધ ખંડો અને સંસ્થાઓમાં પ્રસરી ચૂકી છે. 13 જાન્યુઆરી 2006ના દિવસે ગુજરાતી ભાષાના સૌથી મોટા પોર્ટલ તરીકે ગુજરાતીલેક્સિકોનની રજૂઆત થઈ. સમયાંતરે સરસસ્પેલ ચેકર, ભગવદ્ગોમંડલ, લોકકોશ, ડિજિટલ સાર્થકોશ, ક્રોસવર્ડ, ક્વિક ક્વિઝ, રમતો, બાળકો માટેની રમતો અને મોબાઇલ એપ્લિકેશન વગેરે વિભાગો થકી ગુજરાતીલેક્સિકોન વધુ સમૃદ્ધ બન્યું. ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાતી સાહિત્ય પરિષદ, સીડેક અને બીજી અન્ય સંસ્થાઓ સાથે જોડાઈને ગુજરાતીભાષાના પ્રચાર અને પ્રસારના ઘણા પ્રકલ્પોમાં ગુજરાતીલેક્સિકોને પોતાનો ફાળો આપ્યો છે. તેમણે ગુજરાતીભાષાના ઐતિહાસીક સીમાસ્તંભ સમાન ભગવદ્ગોમંડલને ડિજિટાઇઝ કરી તેની વેબ આવૃત્તિ ભાષા પ્રેમીઓ માટે રજૂ કરી છે. યુએસ કૉગ્રેસ ફેડરલ લાઇબ્રેરીના કેટલોગમાં ગુજરાતી ભાષાના સીમાચિહ્ન રૂપી કાર્ય તરીકે આ વેબ આવૃત્તિને સ્થાન આપવામાં આવ્યું છે.
એક સફળ અને સશક્ત ધંધાકીય સાહસના સ્થાપક શ્રી રતિકાકાનું જીવન કોઈપણ વ્યક્તિને પ્રેરણા પૂરી પાડનારું રહ્યું છે. તેમણે તેમના જીવનમાં ઘણાં મોટા લક્ષ્યાંકો અને સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમના સમકાલીન લોકો અને મિત્રો હંમેશાં તેમના જીવનમાંથી પ્રેરણા મેળવતા રહ્યા છે.
તેઓ તેમની પાછળ એક સમૃદ્ધ વારસો મૂકતા ગયા છે.
જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગુજરાત
જ્યાં જ્યાં વસે ગુજરાતીલેક્સિકોન, ત્યાં ત્યાં વસે રતિકાકા
અમે ય મંદીરોમાં ‘દર્શન’ કરવા જ જઇએ છીએ. અને…’મહીં’ના અવાજને તો સાંભળવાનું ક્યારનું યે બંધ જ કરી દીધું છે, ચીમનભાઈ ! મને લાગે છે કે હવે તો મહીંથી અવાજ આવતો બંધ જ થઈ ગયો છે.
નવીન બેન્કર
આદરણીય વડિલ ચિમનકાકા
દિપાવલીની શુભ કામના ને નુતન વર્ષાભિનંદન
વાહ વાહ વાહ
શબ્દોનાં પકવાન પેટ ભરી જમ્યા.