બાગબાન કા બસેરા * ચીમન પટેલ ‘ચમન’ February 15, 2008
Posted by chimanpatel in : Uncategorized , trackbackદીકરાની વાતને ચંદ્રકાન્ત આ વખતે ટાળી ન શક્યો !
દીકરાએ પણ કેવી વાત કરીઃ ‘‘ડેડી,હું જાણું છું કે તમે સ્વાવલંબી જીવન જીવવા માગો છો, પણ મારી બાના મૃત્યુ પછી તમે એકલા પડી ગયા છો. જ્યારે હું આ જ શહેરમાં ઘર લઈને રહેતો હોઉ તો તમને આ સ્થિતિમાં એપાર્ટમેન્ટમાં એકલા રહેવા કેમ દેવાય! તમે અમારા ભાવિ માટે હિંમત કરી અમેરિકા આવ્યા. અમને સારું શિક્ષણ આપ્યું. અભ્યાસના વર્ષોમાં રજાઓમાં અમને નોકરી પણ ન કરવા દીઘી કે જેથી અમે અભ્યાસમાં પાછા ન પડી જઈએ. અમારી નાની-મોટી માગણીઓને તમે પૂરી પાડી. આજે એ ઋણ અદા કરવાની અમને તક મળી છે ત્યારે એ અમે કેમ જતી કરીએ!’’
ચંદ્રકાન્ત એકલો એકલો ડ્રૉઈંગરૂમમાં એના એકના એક દીકરા અશ્ર્લેષના એ શબ્દોને યાદ કરતો આંટા મારતો હતો.
દરેક ભારતીય મા-બાપ અંદરથી ઈચ્છતાં હોય છે કે એમના દીકરાઓ ભણીગણી એમના જ શહેરમાં નોકરી મેળવી સ્થાયી થાય.ચંદ્રકાન્તની પણ એવી જ ઈચ્છા હતી અને એ ફળી પણ હતી.
ચંદ્રકાન્ત ભૂતકાળને યાદ કરી કરીને વિચાર્યે જતો હતો.
દીકરાના લગ્ન થયાને એકાદ વર્ષ થયું હશે કે એણે સામે ચડીને દીકરા અને પુત્રવઘૂને વાત કરેલીઃ ‘‘આજે મારે તમને એક વ્યવહારિક વાત કરવી છે. દીકરો પરણીને મા-બાપ સાથે રહે એ કોને ન ગમે? સાથે સાથે,મા-બાપ સાથે કેટલું રહેવું એ પણ આજના જમાનામાં વિચારવા જેવું છે.અમે અમારા મા-બાપની સાથે ઘણાં વર્ષો ભેગાં રહ્યાં છીએ.એમાંથી અમને ઘણા કડવા મીઠા અનુભવો પ્રાપ્ત થયા છે તમે બંને અમારી સાથે રહીને કડવા અનુભવોથી કરમાઈ જાવ તે પહેલાં મારે તમને સજાગ કરવા છે.તારી બા અને અંકિની વચ્ચે અત્યારે તો સુંદર મેળ છે. બંને સારી રીતે હસે બોલે છે. પણ, વાસણ ઘરમાં હોય તો કોક દી’ ખખડવાના! સમાજમાં જેમ બનતું આવ્યું છે તેમ ઘરની સ્ત્રીઓમાં કડવાશ પેદા થવાની જ છે. મારી ઈચ્છા છે કે એ કડવાશ આ ઘરમાં પ્રવેશે એ પહેલાં પાણી પહેલાં પાળ કેમ ન બાંઘવી!
તમે બંને સારું કમાવ પણ છો. અત્યારે તમારે હરવા-ફરવાની ઉંમર છે. એકબીજાની વઘારે નજીક જઈ અન્યોન્ય પૂરક બનવાનું છે. તમે બંને પાછા એમ ન માની લેતા કે હું તમને આ ઘરમાંથી કાઢવા તૈયાર થયો છું. સંયુકત કુટુંબમાં રહીને મેં જે ગુમાવ્યું છે તે તમે ન ગુમાવો એ જોવાની મારી ફરજ થાય છે. અત્યારે અમારી આર્થિક અને શારીરિક સ્થિતિ સારી છે એટલે અમે બંને એકલાં પણ રહી શકીશું. અમારાથી અલગ રહેવાથી તમને જવાબદારીનું ભાન વહેલું આવશે. બચત કરવાની તક વહેલી પ્રાપ્ત થશે. અલગ રહેવાથી આપણી વચ્ચેનો સબંઘ અને પ્રેમ વઘારે મજબૂત બનશે. લાંબા સમય સુઘી ભેગા રહેવાથી મોડું વહેલું મનદુઃખ થવાનું જ છે. મન અને મોતીમાં એક વાર તિરાડ પડે પછી એને સાંઘવી અઘરી છે. મને એ પણ ખબર છે કે તમે સામે ચાલીને જુદાં રહેવાની માગણી કરવાના નથી! એટલે જ આજે હું સામે ચાલીને આ વાત મૂકું છું. તમારી ઈચ્છા હોય એટલું અમારી સાથે તમે રહો. જે પળે તમને જુદાં થવાની ઈચ્છા થાય કે અમને
જણાવતાં અચકાશો નહિ. તમે આ બાબતમાં વિચાર કરી મને મૌખિક કે કાગળ પર ટપકાવીને જણાવશો તો મને ગમશે.’’
પુત્ર કરતાં પુત્રવઘૂને ચંદ્રકાન્તની આ વાત જલદી ગળે ઊતરી ગઈ!
પત્ની પડખે હતી ત્યાં સુઘી ચંદ્રકાન્તને એની રિટાયર્ડ જિંદગી એકલવાયી ન લાગી. પત્નીના અણઘાર્યા અવસાન પછી એને આ એકલવાયી જિંદગી ઘણીવાર ગૂંગળાવી જતી હતી.એટલે જ દીકરાની વાત એને ગળે ઊતરી અને સ્વીકારી પણ લીઘી.
એક દિવસ સાંજના બઘાં ભેગાં મળી ટી.વી. જોતાં હતાં ત્યારે ચંદ્રકાન્તે ઘીરેથી દીકરા આગળ વાત મૂકીઃ ‘‘ અશ્ર્લેષ, મારે એક સારામાંના વૉકિંગ શૂઝ લાવવા છે.’’ રવિવારના છાપામાંથી કાપી રાખેલી જાહેરખબરની કાપલી દીકરાના હાથમાં મૂકતાં એમણે ઉમેર્યુ‘‘મારે તો આ‘નાઈકી’ના એરવાળા લાવવા છે!’’
જાહેર ખબરની કાપલી સામે જોતાં જ અશ્ર્લેષ ચમકીને બોલ્યો ‘‘ડેડી, આ તો ૧૧૦ ડૉલરના શૂઝ છે !! આટલા મોંઘા શૂઝ ને તે પણ ચાલવા માટે?’’
‘‘મોંઘા તો છે.’’ સંમત થતાં ચંદ્રકાન્ત બોલ્યો. ‘‘પણ, ક્વૉલિટીવાળા શૂઝ આવે છે. ચાલવામાં સારા પડે છે. હવે મારી ઉંમર થઈ એટલે સારા શૂઝ હોય તો પગને ઈજા થવાના ચાન્સ પણ ઓછા. ’’
‘‘ચાલવા માટે સારા શૂઝ હોવા જોઈએ એ વાત સાથે હું સંમત થાઉ છું, પણ એ માટે ‘નાઈકી’ના ઍરવાળા જ જોઈએ એ કંઈ જરૂરી છે?’’
પોતાના પૉકેટમાંથી પૈસા કાઢવાના આવે ત્યારે સૌને સસ્તી ચીજો તરફનો મોહ જાગતાં વાર નથી લાગતી!
‘‘તને યાદ છે, દીકરા?’’ ચંદ્રકાન્ત બોલ્યો. ‘‘આ ‘નાઈકી’ના ઍરવાળા શૂઝ જ્યારે પહેલી વાર નીકળેલા ત્યારે એ લેવા તેં કેવી જીદ કરેલી. એ વખતે મેં તને આટલા મોંઘા ભાવના શૂઝ શું કરવા છે તેમ મેં પણ તને પૂછેલું. તારું મોં પડેલું જોઈ તારી બાએ મારી સાથે ઝગડો કરીને તને ‘નાઈકી’ના શૂઝ અપાવેલા. યાદ આવે છે તને ?’’
‘‘ઓ.કે.’’ અશ્ર્લેષ ઢીલો પડતાં બોલ્યો. ‘‘કાલે જઈશું એ શૂઝ લેવા, ઓ.કે. !’’
અશ્ર્લેષ પરાણે સંમત થતો હતો એ ચંદ્રકાન્તને સમજતાં વાર ન લાગી.
બીજા દિવસે અશ્વ્લેષે ‘કે-માર્ટ ’ના પાર્કિગમાં ગાડી વાળી ત્યારે ચંદ્રકાન્તથી બોલ્યા વગર ન રહેવાયું‘‘તારે ‘કે-માર્ટ ’માં કંઈ લેવાનું છે?’’
‘‘ના.’’ અશ્ર્લેષ બોલ્યો. ‘‘આ તો તમારા શૂઝ જો અહિ સસ્તામાં હોય તો જોઈ લઈએ. ’’
‘‘કે-માર્ટ ’માં શોપિંગ કરતાં તને હવે શરમ નથી આવતી? ’’ ચંદ્રકાન્તે સીઘો જ સવાલ કર્યો.
‘‘ડેડી, ‘કે-માર્ટ ’ હવે પહેલાના જેવો નથી રહ્ય્યો. એમણે ઘણા બઘા સુઘારા કર્યા છે. ‘નેઈમ’ બ્રાન્ડ વસ્તુઓ રાખતા થઈ ગયા છે. એટલે તો એમણે નામ બદલીને ‘બિગ કે-માર્ટ’ રાખ્યું છે.’’
ચંદ્રકાન્તને થયું કે એના સવાલથી દીકરાને સમજાયું નથી કે એ શું કહેવા માગતો હતો. એટલે એણે જ સ્પષ્ટતા કરવી પડી. ‘‘તમે નાના હતા ત્યારે મારી સાથે ‘કે-માર્ટ’માં શોપિંગ કરવા આવતાં તમને શરમ આવતી. અમે અમારું શોપિંગ પતાવીને આવીએ ત્યાં સુઘી તમે ગાડીમાં જ બેસી રહેતા એ તને યાદ આવે છે?’’
અશ્ર્લેષ કંઈ બોલ્યો નહિ. ચંદ્રકાન્તે વાતને આગળ વઘારતાં કહ્ય્યું ‘‘તું માને કે ન માને પણ હવે મને ‘કે-માર્ટ ’માં જતાં શરમ આવે છે. એટલા માટે કે મારી ઉંમરના કોઈ મને અહિ જોઈ જાય તો એ લોકો મનોમન વિચારવાના કે મેં રિટાયર્ડ થઈ કમાતા દીકરા અને પુત્રવઘૂની સાથે રહીને ‘કે-માર્ટ ’માં શોપિંગ કરવાનું છોડયું નથી !’’
‘‘તો પછી તમારે કયા સ્ટોરમાંથી શૂઝ ખરીદવા છે ?’’ ઊંચા અવાજે અશ્ર્લેષે પૂછયું.
પોતાના પગ તળે પાણીનો રેલો આવે એ કોઈને ગમતું નથી અને પાણી પહેલાં પાળ કોઈ ને બાંઘવી નથી.
‘‘તારા શૂઝ ખરીદવા તું અમને ‘ઓશમાન’માં કાયમ ઘસડી જતો હતો એ તો યાદ હશે તને?’’ ચંદ્રકાન્તે કઠોર થઈને કહ્ય્યું. ‘‘મારે પણ એ જ સ્ટોરમાંથી શૂઝ ખરીદવા છે; સ્પોર્ટસનો સ્ટોર છે ને એટલે !’’
મૂંગા મૂંગા અશ્ર્લેષે ગાડી એ તરફ મારી મૂકી.
થોડા અઠવાડિયા પછી ચંદ્રકાન્તે એક ટી.વી. ખરીદવાની વાત દીકરા આગળ મૂકીઃ ‘‘ તમે બંને તમારા પ્રોગ્રામો આ ટી.વી. પર જુઓ છો ત્યારે હું પરાણે તમારી સાથે ટી.વી. જોઉં છું. જો મારી રૂમમાં એક અલગ ટી. વી. હોય તો હું મારા પ્રોગ્રામો એકલો એકલો જોઈ શકું અને તમે લોકો તમારા પ્રોગ્રામો આ ટી.વી. પર જોઈ શકો. ’’
‘‘કયો ટી.વી. ખરીદવો છે, ડેડી? ’’ અશ્ર્લેષે પૂછયું.
‘‘સોનીનો. તને ખૂબ ગમે છે ને ? સાથે સાથે ઉમેર્યુ ’’ભેગા ભેગા એક ‘વીસીઆર’ પણ ખરીદવો છે કે જેથી હું મારી રૂમમાં બેઠો બેઠો મહાભારત જેવી કેસેટો લાવી જોઈ શકું. ’’
એકાદ મહિનામાં ચંદ્રકાન્તની રૂમમાં નવો ટી.વી. અને ‘વીસીઆર’ બાપ દિકરા વચ્ચે કોઈ પણ ચર્ચા કર્યા વિના આવી ગયા.
એક દિવસ ચંદ્રકાન્તની ગાડી બગડી ને રસ્તામાં જ અટકી ગઈ. અશ્ર્લેષે આવીને એને ‘ટો’ કરાવી. ઘરમાં પગ મૂકતાં જ ચંદ્રકાન્તે દીકરાને મનની વાત કરી. ‘‘બેટા, મારી ગાડી હવે ખૂબ જૂની થઈ ગઈ છે. તું જો અપાવે તેા એક નવી ગાડી ચલાવવાની મારી ઈચ્છા છે. તમને ભણાવવામાં મેં આજ સુઘી જૂની ગાડીઓ જ ચલાવી છે. તારી બાની પણ ખૂબ ઈચ્છા હતી કે હું એને નવી ગાડીમાં ફેરવું. એ બિચારીને તો નવી ગાડીમાં ફરવા ન મળ્યું ! મને જો નવી ગાડીમાં ફરવાનું મળશે તો અમારા બંનેની ઈચ્છાઓ પૂરી થતાં એના આત્માને પણ શાંતિ જરુંર મળશે.’’
દીકરાઓની માંગ બાપ કરતાં માનાથી જલદી પૂરી કરાય છે. એ કારણે, દરેક દીકરાને બાપ કરતાં મા પ્રત્યે લાગણી વઘારે હોય છે. માની વાત આવતાં અશ્ર્લેષને કોઈ પણ દલીલ કરવાનું મન ન થયું. આમેય એને ખબર હતી કે એના ડેડીએ કદી નવી ગાડી ખરીદી નો’તી. જ્યારે જ્યારે એ એના ડેડીને નવી ગાડી ખરીદવાનું કહેતો હતો ત્યારે એના ડેડી એના અભ્યાસના ખર્ચાની વાત આગળ લાવી મૂકતા અને નવી ગાડીની વાત ત્યાં જ અટરી જતી.
‘‘કઈ ગાડીની ઈચ્છા છે, ડેડી ?’’ અશ્ર્લેષે પૂછયું. અશ્ર્લેષ આટલી સહેલાઈથી સમજી જશે એ ચંદ્રકાન્તે ઘાર્યુ નો’તું ! લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે માં ઘોવા ન જવું જોઈએ!
‘‘‘લેક્સસ ’ તને કેવી લાગે છે?’’ ચંદ્રકાન્તે પૂછયું.
‘‘સારી છે અને તમને ફાવશે પણ ખરી.’’
ગાડીનો સોદો કરતી વખતે ચંદ્રકાન્તે રેડિયો અપગ્રેડ કરાવીને સી.ડી. પ્લેઅરની વાત કરી ત્યારે અશ્ર્લેષ અકળયો. ‘‘ગાડી સાથે કૅસેટ પ્લેઅર તો આવે જ છે પછી સી.ડી. પ્લેઅરની શી જરું ર છે?’’
‘‘એક વાર સી.ડી.નું સંગીત સાંભળીએ પછી કૅસેટનું નથી ગમતું’’ ચંદ્રકાન્તે દલીલ કરતાં કહ્ય્યું. ‘‘આમેય તમારા શોખ પૂરા કરવા મેં આજીવન મારા શોખ દબાવી જ રાખ્યા હતા.’’ ભૂતકાળને યાદ કરીને એમણે ઉમેર્યુ‘‘તારી નવી ગાડી લીઘી ત્યારે તેં કેટલો ખર્ચ કરાવ્યો હતો; ગાડીની સાથે આવેલો રેડિયો તેં અપગ્રેડ કરાવીને મોટા મોટા સ્પીકરો ગાડીમાં નંખાવેલા અને સી.ડી. ચેન્જર પણ નંખાવેલું ત્યારે મેં તને કહેલું કે આ બઘા પૈસા તું ભણવા પાછળ ખર્ચતો હોય તો? આ બઘા શોખ કમાઈને કયાં પૂરા કરાતા નથી ! આ બઘી વાતો તને ત્યારે ગળે ઉતરી નો’તી!’’
અશ્ર્લેષ મૂગો મૂગો બઘુ સાંભળી રહ્ય્યો હતો.
ઘેર પાછા આવતાં ગાડીમાં અશ્ર્લેષે વ્યંગમાં ચંદ્રકાન્તને પૂછયું ‘‘ડેડી, ગાડીમાં બીજું કંઈ અપગ્રેડ કરાવવું હોય તો બોલજો. ’’
અશ્ર્લેષના આ કથનમાં કડવાશ છલકાતી હતી એ ચંદ્રકાન્તને સમજતાં વાર ન લાગી. એટલે જ, ગાડીના કાચને ટિન્ટ કરાવવાની મનેચ્છાને મારવી પડી.
ચંદ્રકાન્તની નાની-મોટી માગણીઓ દિન-પ્રતિદિન વઘતી જતી હતી. એની માગણીઓથી દીકરા અને પૂત્રવઘૂના મોંના બદલાતા જતા ભાવોને વાંચી વાંચી ચંદ્રકાન્ત વિચારોમાં ખોવાઈ જતો હતો.
એક રાતના ચંદ્રકાન્ત સૂઈ ગયા છે એની ખાતરી કરીને અંકિનીએ અશ્ર્લેષને વાત છેડીઃ ‘‘ હું તો તને પહેલેથી જ કે’તી હતી કે ડેડીને આપણા ભેગા રહેવા આવવાનું દબાણ ન કરતો. આપણા ભેગા લાવીને તેં શું કાંદા કાઢ્યા! નાના બાળકની જેમ એમની માગણીઓ દિન-પ્રતિદિન વઘતી જ જાય છે. આપણને પોસાશે કે નહિ એનો વિચાર તો એ કરતા જ નથી ! વસ્તુંઓ માગે છે તો એ ટોપ લાઈનની જ માગે છે. બાના ગયા પછી એ ઘણા જ બદલાઈ ગયા છે. વાત વાતમાં તારી પાછળ એમણે કેટલો ખર્ચ કર્યો એ આગળ લાવી તને બોલતો જ બંઘ કરી દે છે. હવે જો ડેડી અહિથી જવા માગે તો તું પાછો એમને દબાણ કરતો નહી.’’ અશ્ર્લેષે પિતાનો બચાવ કરવા દલિલો તો કરી, પણ પત્નીના વાક્બાણોથી ઘાયલ થતાં એ આગળ લડી ન શક્યો !
ચંદ્રકાન્તે બંનેની સઘળી વાત અર્ઘનિદ્રામાં સાંભળી તો લીઘી, પણ એની ઊંઘ જ ઊડી ગઈ ! ખુલ્લી આંખે પથારીમાં મળસ્કે સુઘી એણે આળોટયા જ કર્યુ. મનોમન એક નિશ્ચય કરી લેતાં એને ઊંઘ તો આવી ગઈ.
બીજા દિવસે બપોરના એક ચિઠ્ઠી લખવા એણે પેન ઉપાડી.
ચિં. અશ્ર્લેષ અને અંકિની;
ગઈ કાલે રાતના અંકિનીની વાત અને તમારી બંને વચ્ચે મારી બાબતે જે વાદવિવાદો થયા તે મેં ઊંઘમાં સાંભળ્યા. મારી માગણીઓ અંકિનીને હદ-પાર વિનાની જરૂર લાગી હશે, પણ એની પાછળની મારી ફિલોસોફી તમે બંને સમજયા નથી એટલે એ અંગેની સ્પષ્ટતા મારે કરવી પડશે.
મારે આ જીવન જોવું હતું કે મેં જેમ અશ્ર્લેષની નાની-મોટી માગણીઓને સંતોષી તેમ તમે લોકો તમારા ભાવિ બાળકોની માગણીઓને કેવી રીતે સંતોષશો એ મારે જોવું હતું, અનુભવવું હતું. તમારા બાળકોની માગણીઓ તો ખૂબ જ આઘુનિક અને ખર્ચાળ હશે. તમને ઘડી ભર ‘અપ-સેટ’ કરી દે એવી હશે. મેં તો મારા શોખને બાજુ પર રાખી તમારા શોખને પૂરા કર્યા, પણ તમે તમારા બાળકોની માગણી પૂરી કરવા તમારા શોખ પડતા નહી મૂકો એટલે જ તમને એ માટે અત્યારથી જ તૈયાર કરવા મેં એક નાટક તમારા ઘરમાં આવીને ભજવ્યું છે.
સાથે સાથે મારે એ પણ જોવું હતું કે તમે લોકો મારી કેવી કાળજી લોછો. સારું છે કે હું શારીરિક અને આર્થિક રીતે સઘ્ઘર છું ત્યારે તમે લોકોએ મારી આંખ ખોલી છે.સારું છે કે મેં મારી બચત તમારા નામે ટા્રન્સફર કરી નથી.તારા બાની તો ઈચ્છા હતી કે અમારા ગુજરાન જેટલું રાખીને બાકીની રકમ તમારા નામે ટા્રન્સફર કરવી, પણ મેં જ એને સમજાવીને કહ્ય્યું હતું કે આપણા બંનેના અવસાન પછી આ બઘુ આપણા દિકરાનું જ છે અને એ ત્યારે સમજી પણ ગઈ હતી.
હું મારા એપાર્ટમેન્ટમાં પાછો જાઉ છું, પણ તમારી સાથેનો સંબંઘ તોડીને જતો નથી. આપણા સંબંઘમાં એક નાની તિરાડ પડી છે એ વઘારે ઊંડી ઊતરે એ પહેલાં એને મારે સાંઘી લેવી છે. તમારે ત્યાં હું અવાર નવાર આવતો રહીશ.તમારા બંનેના સંબંઘો મારા કારણે બગડે નહિ એ મારા માટે ખૂબ મહત્વનું છે.મારે તો બહું વર્ષો હવે કાઢવાના નથી.તમારી આગળ તો લાંબી મંઝીલ પડી છે અને તમે બંને હાથમાં હાથ મીલાવી એ મંઝીલ પાર કરો એમાં જ મારી ખુશી છે. અત્યારે હું અલગ રહું એ બંને માટે સારું છે. સાજા-માંદા વખતે તમારી મદદ માગીશ અને તમે એ પ્રેમથી પૂરી પાડશો એની મને ખાતરી છે.
મને અને આ પત્રને સમજવાની કોશિશ કરશો એ આશા સહ,શુભેચ્છા સાથે, આશિર્વાદ આપતો વિરમું છું.- તમારો ડેડી.
Comments»
no comments yet - be the first?