કંકોતરી January 14, 2008
Posted by chimanpatel in : Uncategorized , trackback*****નારી ગણાય નમઃ *****
શ્રીમાન/શ્રીમતીઃ ગુર્જર આર્યપુત્રો ને દેવીઓને
નારી ગણાય નમઃ છે ત્યાં ભગવાનનું નામ આમ આવવું જોઈએ. પણ,અમારા ઘરમાં ઘર્મસંકટ ઊભું થતાં અમે એમ કરી શકયા નથી. હું પોતે શિવનો પૂજારી છું. શ્રીમતીજી માતાજીમાં માને છે અને બાળકો બજરંગબલીમાં ! ભગવાનનું નામ લખવાથી ભગવાનની કૃપા ઊતરી આવશે એવું આ દેશમાં રહીને ભણેલા માણસે માની લેવું યોગ્ય તેા નથી. જો કોઈની કન્યા લગ્નમાં મેળવવી હોય તેા એ નારીઓની કૃપા અને સહકાર વગર શક્ય નથી. લગ્નમાં પુરુષો ન દેખાય તેા ચાલે. પણ, નારીગણની ગેરહાજરી પોસાય નહિ ! લગ્નમાં નારીઓનું હલન ચલન, રંગ-બેરંગી ભારે સાડીઓના રંગની રેલમછેલ, સોના જેવા દેખાતા પણ સસ્તા ઘરેણાઓ ઘરમાં હોય એટલા એકી સાથે શરીર પર શોભશે કે નહિ નો વિચાર કર્યા વગર પહેરેલા હોય. કાગડા કંઠે ( પુરુષનો કોયલ કંઠ અને નારીઓનો કાગડા કંઠ મુવી વાળાઓને આજ કાલ વઘારે ગમે છે) માંડ માંડ ગવાતા લગ્નના ગીતો લગ્નસ્થળને ભલે ન ગજાવી મૂકે, પણ એ બઘાને ગમે છે. એટલે જ, આ વખતે ભગવાનને વેકેશન આપ્યું છે. નારીગણને યાદ કરીને નવો ચીલો પાડ્યો છે.
ચાલો ત્યારે કંકોતરીના લખાણ તરફ મીટ માંડીએ.
નારીકૃપાથી અમારા સુપુત્ર (સુપુત્ર કહેવાનું મન ખરેખર થતું નથી ! અમારા માટે એ કુપુત્ર પાક્યો છે. તમે પૂછો એ પહેલાં જ કહી દઉ. આમેય સારા કામમાં સો વિઘ્નો.. એક વઘારે ! અમે એને અમારા ત્રણ (૩) ગામની કન્યા બતાવી પણ એને ન ગમાડી ! સામાવાળાનું ઘર સારું હતું (મેમોરીઅલમાં રહે છે), એમની પાસે પૈસો પણ સારો છે ( પૈઠણ સારી આપવાના હતા ખાનગી રીતે), આખું કુટુંબ ખૂબ ઘાર્મિક છે (રવિવારે આખું કુટુંબ મંદિરમાં જાય છે ને પ્રસાદ ગ્રહણ કર્યા વગર ઘેર આવતું નથી) વગેરે.. વગેરે..અમેરિકાની કોઈ કાળીના પ્રેમમાં પડી લગ્ન કરવા તૈયાર થયો છે. ગુજરાતની ન ગમી તેા આપણા દેશની પંજાબી, મદ્રાસી, મહારાષ્ટ્રીયન કે કોઈ અન્ય પ્રદેશની પસંદ કરી હોત તેા છાતી પર પથ્થર મૂકીને પણ લગ્ન કરવા હા પાડત. ન્હિ નહિ તો કોઈ અમેરિકાની ઘોળીને પસંદ કરી હોત તેા ભાવિ પ્રજા તેા ઊજળી (રંગે) પાકત !!
ચિ. ડૉ. પલક
(શ્રીમાન રજનીકુમાર બાબુભાઈ પટેલ તથા શ્રીમતી રીતિબહેન રજનીકુમાર પટેલ, ગામ લાંઘણજ, ન્યૂયોર્ક
રહી, કેલિફોર્નિયા વાસ કરી હ્યુસ્ટનમાં હાલ સ્થાયી થયા છે તેમના સુપુત્ર)
ના શુભ લગ્ન
મિસ એન્જી
(ગેલવેસ્ટન નિવાસી મિસ્ટર વિલિયમ શેપર્ડ તથા મિસિસ બાર્બરા શેપર્ડની સુપુત્રી)
સાથે સંવત ૨૦૬૧ના માગશર સુદ ચૌદસ ને શનિવાર તા. ૨૫ ડિસેમ્બર ને નાતાલના બપોરના બે વાગે નિરઘાર્યા છે. તેા આ શુભ પ્રસંગે નવદંપતિને આશીર્વાદ આપવા (ચાંલ્લા સહિત) આપ પતિ-પત્ની (સહકુટુંબ બોલાવી શકાય તેમ નથી) સમયસર પઘારીને શોભામાં અભિવૃદ્ધિ કરશોજી.
લિ. સ્નેહાઘીન
સ્વ. ચતુરદાસ મોતીલાલ પટેલ (હાલમાં વૈકુંઠમાં છે. જીવ્યા ત્યાં સુઘી ઘણી માળાઓ કરી એનું પરિણામ)
સ્વ. મથુરદાસ ચતુરદાસ પટેલ (હાલમાં નરકમાં રિબાય છે. જીવ્યા ત્યાં સુઘી ભગવાનનો દીવો ઘરમાં કર્યો નથી.)
શ્રી કનુભાઈ બાબુભાઈ પટેલ (‘કેબીઆર’માં કામ કરે છે)
શ્રી ડાહ્યાભાઈ મથુરદાસ પટેલ (સાઉદીમાં કામ કરે છેઃ બૈરા છોકરાઓને અહિ હ્યુસ્ટનમાં છોડીને )
શ્રી બાબુભાઈ ચતુરદાસ પટેલ (ભારતમાં ઘંઘો કરે છે)
શ્રી પ્રવીણભાઈ મથુરદાસ પટેલ (લંડનમાં પોસ્ટમાં છે)
શ્રી ભાર્ગવકુમાર કનુભાઈ પટેલ (કોલેજના છેલ્લા વર્ષમાં છે. કન્યાની ખેાળમાં છે.)
શુભેચ્છા સહિત
સ્વ. ચતુરીબા ચતુરદાસ પટેલ (હાલમાં નરકવાસમાં છે. સાસુપદામાં વહુઓને હેરાન કરવાનું બાકી નો’તું રાખ્યું!)
સ્વ. શકરીબા મથુરદાસ પટેલ (હાલમાં વૈકુઠમાં પ્રવેશ મળ્યો છે. વહુંને દીકરીની જેમ રાખી અને આખી જિદંગી સાચુ બોલ્યાનો પરતાપ થયો. )
શ્રીમતી સવિતાબેન કનુભાઈ પટેલ (દાળ સારી બનાવે છે)
શ્રીમતી ઈલાબેન રમેશભાઈ પાઠક (પાઠકના પ્રેમમાં પડી પટેલને પડતા મૂક્યા છે. )
કુમારી રીટા કનુભાઈ પટેલ ( ‘લૉ’નું કરે છે.)
કુમારી ગૌરાંગી રજનીકુમાર પટેલ (નૃત્યકલા જાણે છે.)
પીઠી અને ગ્રહશાંતિનો સમય સવારના ૭ઃ૦૦ વાગે ‘સ્વીટ વૉટર’ના અમારા ભાડાના ઘર પર રાખેલ છે.
તા.ક. ગીફ્ટમાં ૨૫ ડૉલર લેવાનું રાખ્યું છે. ચેક ચાલશે.
Comments»
R.S.V.P………….Rokda sthe vehla padharsho………:)