મોગરાના ફૂલ (લઘુકથા) May 15, 2016
Posted by chimanpatel in : લઘુકથાઓ , trackbackમોગરાનાં ફૂલ! (લઘુકથા)
લેખકઃ ચીમન પટેલ ‘ચમન’
ગ્રોસરીની લાઈનમાંથી ચૅક-આઉટ કરતાં ભારતીય બહેન પર મારી નજર પડી અને નામ પણ વાંચી લીધું!
મારો વારો આવતાં, મેં પૂછ્યું; ‘શ્વેતાજી, ભારતમાં તમે કયાંનાં?’
‘આણંદની છું! અને તમે?
“હું અમદાવાદનો છું.”
‘મેં તમને અહીં કદી જોયા નથી!’
‘તમારું અવલોકન સારું છે! ગ્રોસરી લઈ આવવાનું કામ હવે મારા માથે છે!’
‘કેમ? તમારા વાઈફ બિમાર છે કે શું?
‘એ હતી, હવે નથી!’
‘હું સમજી નહીં?’
‘કૅન્સરની બીમારીમાં એ ગુજરી ગઈ!’
‘આઈ એમ સૉરી!’
‘થેંક્યું!’.
મારી પાછળ લાઈનમાં કોઈ જ નો’તું એ જોઈ મેં
શ્વેતાને પૂછ્યું; ‘તમારા કુટુંબ વિશે જાણી શકું?’
શ્વેતા બોલી; ‘મારા હસબન્ડ પણ હવે નથી!’
એ હાર્ટ એટૅક્માં પાંચ વર્ષ પહેલાં ગુજરી ગયા!’
‘આઈ એમ સો સૉરી!’
‘થેંક્યું!’.
કહેવા જતો’તો ‘વી આર ઈન ધ સેઈમ બોટ!’ ત્યાં, કોઈ એની ગ્રોસરી બેલ્ટપર મૂકી રહ્યું હતું એ જોઈ, વાત બદલી મેં કહ્યું; ‘ચાલો, આવતા અઠવાડિયે પાછા મળીશું.’
‘ઓકે!’ સ્માઈલ આપી શ્વેતા બોલી.
અઠવાડિયા પછી, યાર્ડમાંનાં તાજાં ખીલેલાં મોગરાનાં ફૂલો પર નજર પડતાં, વીણી લઈ એક ઝીપર બેગમાં શ્વેતા માટે લઈ લીધાં!
શ્વેતાના કાઉન્ટર પાસે જઈ, ફૂલોની બેગ બતાવી મેં કહ્યું; ‘ ખાસ યાદ કરી, તમારા માટે લાવ્યો છું!’
ચાલુ કામે ફૂલોની બેગ લઈ, એક બાજુ મૂકીને એ બોલી; “ખૂબ ખૂબ આભાર ભાઈ! આ ફૂલ હવે હું મારા ઠાકોરજી આગળ મૂકીશ!”
******
Comments»
no comments yet - be the first?