મારો ૨૦૦૯ નો સંકલ્પ 0 ચીમન પટેલ ‘ચમન’ January 19, 2009
Posted by chimanpatel in : Uncategorized , trackback૨૦૦૯ના પ્રથમ દિવસે અમારી બંનેની વચ્ચે અણઘાર્યો અચાનક એક એવો નિર્ણય લેવાઇ ગયો!
નવા વર્ષે વહેલા ઉઠી (ભલે બાકીના દિવસોમાં સૂર્યવંશી હોઇએ ) જવા માટે ઘાર્મિક ઘક્કો ઘણાને વાગતો હોય છે. આ કારણે આ દિવસે ઘણા વહેલા ઉઠી જાય છે, પણ શ્રીમતીજી આજે ઘાર્યા કરતાં મોડા ઉઠ્યા હતાં ! વાસ્તવમાં, આજે એમને વહેલા ઉઠવાની ખાસ જરુંર હતી કારણકે આજે એમણે કેટલાક મિત્રોને જમવા બોલાવ્યા હતા.
જેવા એમને મેં ત્રીજી વારના જગાડ્યા અને સમયનું ભાન કરાવ્યું કે એ ઝબકીને જાગતાં બોલ્યા; ‘બાપરે… સાડા નવ વાગી ગયા! મને વહેલી કેમ ન જગાડી?’
ચોર કોટવાલને દોષિત ઠરાવે એવો એમનો ટોન જોઇ હું બોલ્યો;
‘મેમ, અત્યાર સુઘીમાં મેં તમને ત્રણ વાર જગાડ્યા! પહેલી વાર સાડા સાત વાગે, બીજી વાર સાડા આઠ વાગે અને આ ત્રીજી વાર સાડા નવ વાગે!’
સવારના અમારા રોજિંદા સંવાદો પાછા આ નવા વર્ષે શરું ન થઇ જાય એ બીકે હું મારી ઓફિસ તરફ પ્રયાણ કરી ગયો.
સવારમાં ગરમ પાણીના મીઠાના કોગળા કરવાનો મારા ક્રમ પડી ગયો છે એ કારણે મારે રસોડામાં પ્રવેશ કરવો પડ્યો એમની હાજરીમાં.
મીઠાની પ્લાસ્ટીકની બરણી લેતાં, ઘણા દિવસથી ઘર કરી ગયેલી એક વાત કાઢતાં મેં શ્રીમતીજી પૂછ્યું; ‘આ પ્લાસ્ટીકની બરણી તું જે રીતે મૂકે છે એ રીતે હું પાછી નથી મૂકતો એની તને ખબર છે?’
‘હા, મને ખબર છે! હું કંઇ ડફોર નથી !?’ ઊંચા અવાજે એમણે મને પડકાર કર્યો.
અમારી આ પ્લાસ્ટીકની બરણી પર હાથની પક્કડ માટે એક ખાંચો પાડેલો છે. ડાબા હાથે પક્કડવામાં મને સરળતા રહે એટલે હું એ ખાંચો ડાબી તરફ રહે એ રીતના હું એને મૂકું છું અને શ્રીમતીજી એ ખાંચો એમની તરફ બહાર પડતાં રહે એમ એ મૂકે છે. આ અંગેની અમારી વચ્ચે આજ સુઘી કોઇ ચર્ચા થઇ નથી! કજીયાનું માં કાળુ એ કારણે જ આજ સુઘી એ વાત ચર્ચાઇ નથી !! કોણ જાણે આજે આ બેસતા વર્ષના દિવસે જ એને બહાર આવવાનું મન થયું?
‘કેમ કંઇ બોલ્યા નહિ?’ મને પડકારતાં શ્રીમતીજી બોલ્યા. ‘મારે એ વાત કાઢવી હતી, પણ ઘરકામમાં હું એ ભૂલી જતી હતી. સારું થયું કે તમે જ એ વાત આજે કાઢી.
મારી રીતે એ પ્લાસ્ટીકની મીઠાની બરણીને મૂકવાના ફાયદાએાના પાસા મેં ફેક્યા. મગજની શેતરંજ પર એ હજુ ઉભા રહી જાય એ પહેલાં જ શ્રીમતીજી તાડૂકી ઉઠ્યા!
‘રસોડું મારું છે. એમાંની ચીજો મારે જે રીતે જોઇએ એ રીતે હું ગોઠવું છું તો તમે એને શા માટે ફેરવો છો? તમારી ઓફિસમાં જઇ તમે ગોઠવેલી વસ્તુંઓને હું ફેરવી દઉ તો તમને એ ગમશે?’ એકી શ્વ્વાસે એ બોલી ગયા.
શું જોડદાર પડકારતો પ્રત્યુંત્તર મળ્યો હતો મને ! આટલા વર્ષોમાં આજે આ રીતે અને તે પણ બેસતા વર્ષના દિવસે !! એમના એક જ વાક્બાણે એમણે મને મૂર્છિત કરી દીઘો !!!
અંદરની આંખો ખોલી, હાર સ્વીકારતાં હું બોલ્યો; ‘ચાલો આજે આ બેસતા વર્ષના દિવસે હું સંકલ્પ કરું છું કે રસોડાની બાબતોમાં મારે હવેથી માથું મારવાનું બંઘ’. આટલું બોલી, ઓફિસભણી પગ ઉપાડું છું ત્યાં જ શ્રીમતીજી ઉવાચ:
‘બોલ્યા છો તો હવે પાળી પણ બતાવજો!’
મહેણાનો માર તો નરસિંહ મહેતાને પણ મળ્યો હતો તો મારા જેવાનું તો શું?
માં ફેરવી, ભારે હૈયે, હું મારી ઓફિસ તરફ પ્રયાણ કરી ગયો.
— ૦૪જાન્યું‘૦૯
Comments»
no comments yet - be the first?