હાઇકુ વર્કશોપ
હાયકુ એક કાવ્યપ્રકાર—યોસેફ મેકવાન
મિત્રો,
૫-૭-૫ શ્રુતિવાળુ આ કાવ્યસ્વરૂપ જેટલું સરળ લાગે છે એટલું વધારે સંકુલ છે. આપ સૌ જાણો છો કે કાવ્યમાં ધ્વનિ મહત્વનો છે. શબ્દસ્થ થયેલી પંક્તિમાંથી ઊઠતી વ્યંજના આપણને ચિત્તમાં અર્થ પ્રગટાવતા તે આનંદ-આહલાદ આપે છે. કવિતાનો સ્વભાવ આનંદ આપવાનો છે. પછી તે આનંદથી ઊઠતી વ્યંજનાનો વિસ્તાર હ્રદયને સ્પર્શતા તે કવિતા બને છે.
આપણી ભાષામાં સોનેટ-ગઝલ-રૂબાઈ જેવા કાવ્ય-પ્રકારો વિદેશથી આવ્યા અને સમય જતાં આપણા દેશની સંસ્કૃતિમાં હળીભળી પાંગર્યા. એ જ રીતે ગઈ સદીના ઉત્તરાર્ધમાં કવિ શ્રી સ્નેહરશ્મિના હાથે જાપાનીસ કાવ્યપ્રકાર હાઇકુ અવતર્યું,ખીલ્યું ને ગુજરાતી ભાષામાં પાંગર્યું.
પ્રાચીન કાળમાં દુનિયાના દેશોમાં,આપણે જાણીએ છીએ તેમ,રાજદરબાર ભરાતા. તેમાં કવિઓને આગવું સ્થાન મળતું. આરબ દેશોના રાજદરબારમાં શાયરો ( કવિઓ ) ગઝલો-મુક્તકો કહેતા.આપણી જેમ જાપાનમાં પણ રાજદરબારમાં કવિઓ તાન્કા કે હાઈકુ સંભળાવી રાજદરબારનું મનોરંજન કરતા. મૂળ તાન્કામાંથી હાઈકુ આવ્યું. તાન્કામાં ૫-૭-૫-૭-૭-ની શ્રુતિ રહેતી. તેમાંથી સત્તરમી સદીમાં (૧૬૪૪-૧૬૯૪) બાશો નામના કવિએ તાન્કામાંથી જે નવું રૂપ સર્જ્યું તે ‘હાઈકુ’ કહેવાયું. તેમણે તાન્કાની આરંભની ૫-૭-૫ ની શ્રુતિની સ્વતંત્ર કાવ્ય રચના આપી તેને ‘હોક્કુ’ કહી. પછી સમય જતાં તે ‘હાઈકાઈ ‘ નામે ઓળખાઈ. તેમાંથી અંતે નામ થયું ‘હાઈકુ’!
હાઈકુ વિશે બાશોનો મત આ પ્રમાણે છેઃ જ્યારે સંવેદનશીલ મન જડ-ચેતન પદાર્થોમાં કોઈ વિરલ ભાવ અનુભવે, કોઈ આધ્યાત્મિક સંવેદના જગાડે, કવિ તેને શબ્દસ્થ કરે તે પણ ૫-૭-૫ની શ્રુતિમાં જ ત્યારે તે હાઈકુ બને! તેમાંથી વ્યંજનાના કે ધ્વનિના તરંગો ભાવક મનમાં જન્મે.
આવું હાઈકુ અણુમાં વિરાટનું દર્શન કરાવે.. કોઈ સદ્વૃત્તિનું ભાવવિશ્વ ખડું કરે. રોજ સવારે ખીલતા પુષ્પો રોજ નવું દર્શન કરાવે. નવો પથ આપે.પ્રકૃત્તિના તત્વોથી શબ્દચિત્રમાં અંકિત કરે,જે નવજીવન પ્રેરે.
આમ,હાઈકુની પ્રથમ શરત એ છે કે એ પ્રકૃત્તિના તત્ત્વોથી શબ્દચિત્ર રચાય. તે ભાવક ચિત્તમાં પ્રતીતિકર રીતે સંક્રાન્ત થાય. તેમાં ઈન્દ્રિજ્ઞવ્યત્યયો,ભાવવ્યત્યયો,પ્રતીકોનો સુમેળભર્યો વિનિયોગ થયો હોય. એકનું એક પ્રતીક અનેક સંદર્ભે,વિવિધ અર્થે રચાયું હોય કે જેના દ્વારા વાચક-ભાવકના ચિદાકાશમાં સંતર્પક સંવેદનો તરંગિત થઈ ઊઠે!
આપણે ત્યાં આવા લઘુ કાવ્ય-સ્વરૂપ મુક્તક,સુભાષિત,ઉખાણાં કે લાંબા કાવ્યોમાં સૂત્રાત્મક પંક્તિઓ આવતાં,તે દ્વારા કવિ બોધાત્મક ભાવને ઉપસાવતા. યાદ રહે કે ,હાઈકુનું સ્વરૂપ આ બધાંથી અલગ પ્રકારનું છે. લઘુકાવ્યના સ્વરૂપથી પણ અલગ. એટલે કે,હાઈકુમાં કશું બોધાત્મક ન હોય. પ્રકૃતિનું જે શબ્દચિત્ર કવિએ જે ખડું કર્યું હોય તે જ બોલે. તેમાંથી ધ્વનિ કે વ્યંજના ઊઠે તે અર્થ પ્રતિપાદિત કરે. “હાઈકુને જ બોલવા દો.કવિ તમે ન બોલો” એમ કહેવાય.
એનો અર્થ એવો થયો કે ૫-૭-૫ની શ્રુતિથી જે શબ્દચિત્ર રચાયું તેમાંથી ઉઠતી વ્યંજના કે ઉઠતો ધ્વનિનો રણકાર આંખ સાંભળે અને કાનને દેખાય! તે ચાક્ષુસ થાય. ત્યાં હાઈકુનું કામ પૂર્ણ થયું .
મિત્રો, ભાષાના સંદર્ભે જાપાનીઝ હાઈકુ અને આપણી ભાષાના હાઈકુ વચ્ચે ભિન્નત્વ રહેવાનું.બંનેની અલગ તાસીર રહેવાની.કારણકે બંને ભાષાઓનું કુળ અલગ છે ને ? જાપાનીઝ ભાષાના નામ,ક્રિયાપદ.વિશેષણો,ક્રિયાવિશેષણો વગેરેના પદક્રમોની ગોઠવણીથી અર્થ સૂચવાય છે. એટલે ત્યાં પદક્રમ મહત્વનો છે. જ્યારે આપણી ગુજરાતી ભાષામાં પ્રત્યયો વિના ડગ ન મૂકાય. પરિણામે ભાષા આલંકારિક બને. એટલે જાપાનીઝ ભાષાની હાઈકુ-વિભાવના અહીં ખપમાં ન લાગે. છતાં આપણે તે આપણું હાઈકુ કહેવાય.
મિત્રો, આપણે જાપાનીઝ બનાવટની ચીજ-વસ્તુઓથી પરિચિત છીએ.એમની નાનામાં નાની ચીજ વસ્તુની બનાવટ અદભૂત ફીનીશીંગવાળી હોય છે.જોતાં જ તેનું આકર્ષણ થાય ને મન લેવા લલચાય.તેમની બનાવટની વસ્તુની કારીગરી મોહક અને આકર્ષક હોય છે. અરે તે પ્રજાએ તો વનસ્પતિની વિશાળતાને ય બોન્સાઈમાં રૂપાંતરિત કરી ક્યાં ચમત્કાર નથી કીધો? જાપાનીઝ પ્રજાની આ કલા-પ્રતિભા હાઈકુ જેવાં લઘુકાવ્યમાં પણ સંસ્પર્શ પામી છે.
હાઈકુને આમ પણ સમજી શકીએ. કેલિડોસ્કોપમાં રંગીન કાચના ટૂકડાઓ હોય છે. તેના વડે આકાર આકૃતિ રચાતાં હોઈ તે જોઈ મન-વિસ્મય સાથે આહ્લાદ અનુભવે છે,હરખાય છે.ને જે સંવેદન જગાડે તેવું અહીં ૫-૭-૫ની શ્રુતિ વડે રચાતું લઘુકાવ્ય તે હાઈકુ ! કેલિડોસ્કોપ સહેજ હાલી જતાં તેમાંની આખી રંગીન આકૃત્તિ-ચિત્ર બદલાઈ જાય ને નવું સંવેદન જગાડે. એ જ રીતે આ સત્તર શ્રુતિમાં અકાદ શબ્દ અહીં ત્યાં કરીએ-બદલીએ ને ભાવ પલટાઈ જાય,અર્થ બદલાઇ જાય. એમ આનંદદાયક અર્થો,ભાવો મળતાં રહે જે વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય !
આમ, હાઈકુની અસલિયત એ કવિની અનુભૂતિની અસલિયત છે. એ ભાવ જ્યારે ભાવક અને વાચકની અસલિયતમાં રૂપાંતર પામે ત્યારે તેની ચમત્ક્રુતિનો આનંદ મળે! આ બધું ખુબ સહજ- સ્વાભાવિક રીતે જે હાઈકુમાંથી અનુભવાય તેટલું તે હાઈકુ ઉત્તમ! તેમાંથી જે સુખ-દુઃખ,વિસ્મય,આઘાત-પ્રત્યાઘાત, અધ્યાત્મ વગેરેની લાગણી જન્મી તે જ હાઈકુનો પ્રાણ! તેમાંથી ભાવકે ભાવકે એક હાઈકુમાંથી જેટલી જુદી અર્થચ્છાયાઓ કે અર્થવ્યંજનાઓ ઝંકારી ઊઠે તેટલા અંશે તેમાં સાચું હાઈકુત્ત્વ! હાઈકુ દ્વારા પોતાની સંવેદનાનો આક્ષાત્કાર થાય. આમ, હાઈકુ સામાન્યભાવનું અસામાન્ય ભાવમાં અને અસામાન્ય ભાવનું સામાન્યભાવમાં રૂપાંતર કરે છે. તેમાં ભાવક ચિત્તને સ્થળ-કાળથી પર થવાની સમાધિ લાધે. ચિત્ર જેવું હોય તેવું ભાવક ચિત્તમાં પ્રતિતીકર રીતે સંક્રાન્ત થાય. તેના તર્ક,બુધ્ધિને વળોટી જાય, ને આનંદ મૂર્ત કરે.
હાઈકુ વિશેની મારી આવી સમજને આધારે મેં આપે મોકલેલા હાઈકુમાંથી જેને હાઈકુ કહી શકાય એવા ૬ હાઈકુ તારવ્યા છે. એમાં થી જે અર્થ-વ્યંજના-ધ્વનિ સમજાય તે લખો… તો મજા પડે.
ઋતુ બદલી
કળીઓનું બગાસું
વસંત આવી. નીતિન વ્યાસ
વીજળી થઈ
આભમાં હસ્તાક્ષર
કોના હશે એ ? દેવિકા ધ્રુવ
પતંગ ચગે
પવન પીછો કરે
કપાઈ પડે! ઇન્દુબેન શાહ
આભ ઉદાસ
ઝીલાયાં અશ્રુ
પર્ણે કળી ઉઘડે. ઈન્દુબેન શાહ
વગાડ્યો બેલ
ખોલશે એ અંદરથી
Comments»
no comments yet - be the first?