jump to navigation

પાગલ June 22, 2012

Posted by chimanpatel in : Uncategorized , 2 comments

તમારા પ્રેમમાં પાગલ, શમાને મેં કહ્યું;
તમારી પ્રિત, સમર્પણ વિના હું શું જાણું?
* ચીમન પટેલ “ચમન” (૨૨જુન’૧૨)

માતમાં ! May 13, 2012

Posted by chimanpatel in : કાવ્યો,Uncategorized , 6 comments

શીતળતા ચાંદની નીતરે છે માતમાં,
ઉષ્મા સૂર્યની હૂંફમાં મળે છે માતમાં.

ઊંચાઇ પર્વતોની મપાય છે માતમાં,
પાણી પાતાળના પિવાય છે માતમાં.

લંબાઇ નદીઓની દેખાય છે માતમાં,
ઊંડાઇ દરિયાની મપાય છે માતમાં.

ઉડ્ડયન પંખીઓનું મણાય છે માતમાં,
વફાદરી પશુઓની જણાય છે માતમાં.

ગગડાટ વાદળનો સંભળાય છે માતમાં,
હાલરડાનું સંગીત સમજાય છે માતમાં.

નમ્રતા નારીની પણ નીતરે છે માતમાં,
મર્દાનગી મર્દની જોવા મળે છે માતમાં.

સારા શિક્ષણની એક શાળા છે માતમાં,
બધાજ ધર્મોની એક માળા છે માતમાં.

ભોળપણ બાળકનું છલકાય છે માતમાં,
ચતુરાઈ ચાણક્યની ‘ચમન”છે માતમાં.

* ચીમન પટેલ “ચમન”

હાઇકુઃ May 4, 2012

Posted by chimanpatel in : હાઈકુ,Uncategorized , 4 comments

ઊડવું મારું,
એક પાંખનું હવે;
ઊડવું રહ્યું !
* ચીમન પટેલ “ચમન” (૨૯એપ્રિલ’૧૨)

મારું રુદન
ન જોઇ શક્યા મિત્રો;
મુખ હસતું !
*ચીમન પટેલ “ચમન”(૦૩મે’૧૨)

‘પનામા પ્રવાસમાં’ લખાયેલ હાઇકુઃ ચીમન પટેલ “ચમન” April 21, 2012

Posted by chimanpatel in : હાઈકુ,Uncategorized , 4 comments

એને જોઇને,
યાદ આવી જાય છે;
સ્વગૅસ્થ પત્ની!!
૦ ૧૭એપ્રિલ’૧૨

છલકાય છે,
દિલ મારું તો તારા-
ચંદ્રમુખથી!
૦ ૧૮એપ્રિલ’૧૨

ખાલી સીટમાં,
બેઠી એ મારી સાથે;
મિત્રો વિચારે!!
૦ ૧૯એપ્રિલ’૧૨

વિચારું છું તો-
રડું છું અંદરથી;
સુના ઘરમાં !
૦ ૧૯એપ્રિલ’૧૨

મળી એ મને,
પ્રવાસમાં એકલી;
હસાવી(રડાવી) ગઇ!
૦ ૨૦એપ્રિલ’૧૨

હોળી March 8, 2012

Posted by chimanpatel in : પ્રસંગ કાવ્યો,Uncategorized , 8 comments

રંગરાગ

આજ
ઘૂળની જેમ
ઊડી રહી રંગની છોળો
એકલવાયા
મારા મનને
શીદ આવી ઢંઢોળો ?

રંગ ઘોળ્યો દિલડું ડહોળી
ભરી પિચકારી એમાં બોળી.
પણ-
રમવી કોની સંગમાં હોળી ?

આજતો,
મારેય છે રંગા’વું,
પિચકારીએ છે છંટા’વું
સંગે રમી
રંગે રમી
દિલડું મારેય છે બહેલા’વું !

ઉરના કો એકાંતે
આવી ‘એ’ લઈ પિચકારી
રંગી દીઘો
ભીંજવી દીઘો
મને એના કસુંબલ રંગથી !

ત્યારથી-
એ રંગરાગમાં
એની સંગમાં
આજ લગી રંગાયેલ છું !!

૦ ચીમન પટેલ ‘ચમન’

“પેચ પતંગના” January 13, 2012

Posted by chimanpatel in : પ્રસંગ કાવ્યો,Uncategorized , add a comment

અવકાશે
ઊડી રહ્યા રંગીન પતંગો
ગેલ કરતા
નમી પડતા
ઉડાડનારનું મન હરતા
ધાબેથી કોઇ ઢળી પડતા
પતંગ કપાતાં
થઇ જતી દોડાદોડી.

પતંગ મારો,
નીકળ્યો સારો
જોનારની આંખમાં ખૂંચે
ઊડી રહ્યો એટલે ઊંચે.

એકાએક;
ગુમાન મારું
આવ્યું શું આડુ
મંડ્યો લોટવા એ
ના’વ્યો કાબુમાં જે
પડ્યો જઇ પડોશીની પતંગ પર!

ગૂલાંટ મારી
પેચ લગાવી
ઊડી રહ્યો ગર્વથી જ્યારે
મર્મ એનો સમજાયો ત્યારે!

ઢીલ મૂકતાં દોરીની
કપાઇ પતંગ ગોરીની!

ત્યારથી;
લડાઇ ગયા છે પેચ દિલના!!

* ચીમન પટેલ “ચમન”
૧૪ જાન્યુ.’૬૩ (ભાવનગર)

સાહિત્ય સરિતાના સભ્યોને October 9, 2011

Posted by chimanpatel in : Uncategorized , 3 comments

દિપક ને ગીતાએ દિપક જલાવ્યો જ્યારથી,
સરિતા સાહિત્યની વહી રહી જૂઓ ત્યારથી.

વિચારો વિવિધ લઈ વિજય જૂઓ એ આવે,
સાહિત્ય સરિતામાં જોમ નવો નવો એ લાવે.

મેઘાણીની દાઢીમાં હાથ નાખી તો જૂઓ જરા,
છત્રી છંદોની જો ખોલી શકોતો, જાણું તમે ખરા.

સુમનભાઇને જો સમજો તો પડે ખૂબ મજા,
ન સમજાયું એને તો, થઈ ગઈ જાણે સજા!

નથી પાડતા બૂમો કદીયે વિશ્વદીપ બરાડ,
રાખે રેખાને સાથમાં,નહિ પડે કદીયે ચિરાડ.

બક્ષીના ‘જજમેન્ટ’માં ન હોય કદી જોવાનું,
નીરુંને ફરિયાદ કરી કરી ઘરમાં જ રોવાનું!

ધ્રુવના તારાની જેમ, એ અડગ ને એકલા,
બારાખડી પર લખતા, દેવિકા જેવા કેટલા?

મર્મ મનોજનો સમજવો ભઈ કંઇ સહેલો નથી,
ગઝલને ગાઈને પિરસવાનો પાઠ પહેલો નથી!

ધીમી ધીમી ગાડી ધીરુંભાઇની ભઈ ચાલે ભલે,
એમના વિચારોમાંથી નવું જાણવા સહુને મળે.

પ્રવીણાબેનના મુખથી સરતી હોય છે સરીતા,
થાકે નહિ લખતાં પતિ પર રોજ નવી કવિતા.

શાંત છે શૈલા આમતો, પ્રશાન્તની પડખે રહી,
એમના સ્વભાવની આપણને સૂઝ બહુ નહીં!

સરયુંબેનને તો સાંપડ્યું છે બધી બાજુનું સુખ,
દિલિપના ચિત્રોથી ઊડી ગઈ છે એમની ભૂખ.

સંચાલન સભાનું કરી જાણે છે રસેશ દલાલ,
રચના રચીને કદીક તો ઉડાડો ભલા ગુલાલ!

ફ્તેઅલીને ફાવી ગયું છે હવે કવીતા રચવાનુ,
મુખકંઠની નહિ મારા મારી ને બધાને હસવાનું.

સુગંધ ગજરાની હેમન્તને તો નીત નીત મળે,
પુર્ણિમાની પડખે શીતળતાની મજા તો પડે!

પરખી નહિ શકો સતીશ પરીખને કદી તમે,
દિલથી કરે એ કામો, સરીતાના સભ્યોને ગમે.

જ્યોત જલાવી મંજુબેન મંદિર ઘરમાં કરો
ભરથાર ભગવાનની સેવાનું ભાથુ હવે ભરો.

બેન્ક નથી, અટક એમની કેમ પડી બેન્કર,
સમાચારોથી ભરી લાવે ભલા કદી ટેન્કર !

ખુશ છે ઇન્દીરા તો કિરિટની કરામતો પર,
દિવો લઈને ખોળતાં, નહિ મળે આવો વર !

અશોકને નથી શોક આવવું પડે છે એકલા,
‘કોક’ ઢીંચીને પણ કરે છે એ નાટકો કેટલા.

પહેર્યો છે મુગટ ગાંધીનો મુકુંદભાઇએ જૂઓ,
આંસુ પડાવે નાટકોમાં, રુમાલ લઈને લૂઓ.

સરિતાના સભ્યો પર શાયરી આ તો લખાઇ,
પ્રેરણાનું પાણી “ચમન” ગયું તારું તો સુકાઇ!

# ચીમન પટેલ “ચમન”
(૦૧ઓક્ટો’૧૧)

***************

પ્રિતના પાણી- ચીમન પટેલ ‘ચમન’ July 18, 2011

Posted by chimanpatel in : ટુંકી વાર્તા,Uncategorized , 1 comment so far

પ્રિતના પાણી ચીમન પટેલ ‘ચમન’

‘પિયા આ…જા…સાવન આયા….’

રેડિયા પરથી મઘુર સંગીત દિવાનખાનામાં રેલાઈ રહ્ય્યું હતું. છત પરનો પંખો ગરમી સામે યુદ્ધે ચઢી જોર જોરથી ફરી રહ્ય્યો હતો.

અનુજા દિવાનખાનામાં આમતેમ આંટા મારી રહી હતી. ઘડી ઘડી એની નજર રસ્તા પર જતી હતી. નિરાશ હતી અને એની નિરાશા વઘતી જતી હતી. ભયથી મુખ પર ઉતરી આવતા પરસેવા પર પંખાની કેાઈ અસર વરતાતી ન હતી.

કંદર્પને આજે ઓફિસેથી ઘેર આવતાં રોજ કરતાં વઘારે મોડું થયું હતું. અનુજાના ચંિતાતુર સ્વભાવને સમજ્‌યા પછી કંદર્પ ઓફિસથી ઘેર આવવામાં નિયમિત બન્યો હતો. ઓફિસથી મોડું થવાનું હોય તેા અનુજાને અગાઉથી ફોન કરી જણાવવાનું એ ચૂકતો નહિ.

અનુજાને કામમાં સૂજ પડતી નો’તી. ઘરમાં એ આઘી પાછી થતી હતી અને વારંવાર બારણા પાસે કે બારી વાટે રસ્તા પર નજર નાખી લેતી હતી.ઓફિસે અને કંદર્પ સાથે કામ કરતા એક-બે મિત્રોને પણ એણે ફોન કરી જોયા.

‘મિટંિગમાં હોય અને ફોન કરવાનું તેા એ ભૂલીતો નહિ ગયા હોયને?’ અનુજા વિચારોના વાયરે ચડી; ‘ફ્રીવે પર ટા્રફીકમાં ફસાઈ ગયા હશે?..કારતો બગડી નહિ હોય ને?..કે પછી એમને અકસ્માત તેા નડ્‌યો નહિ હોય ને ?!’

અકસ્માતનો વિચાર આવતાંની સાથે એના ગાત્રો ગભરાટથી ઢીલા પડવા લાગ્યાં. શંકા-આશંકાના સાણસામાં એ ભીંસાવા લાગી.

‘ભલે કારને જે થવું હોય તે થાય, પણ એમનો વાંકો વાર ન થાય તેવું કરજે મા!’ અને એ સાથે અનુજાએ મનોમન માતાજીના પાંચ દીવા, એક નાળિયેર અને સવા પાંચ ડોલરની બાઘા પણ માની લીઘી.
‘એમના સ્વભાવ આગળ મારો સ્વભાવ તેા કંઈ જ નથી!’ અનુજા પાછી વિચારે ચડી. ‘હું મૂઈ ઘણી વખત એમની પર ગરમ થઈ જાઉ છું કારણ વગર, પણ એ કદી મારી પર ગરમ થયા નથી. સવારે ઓફિસે જાય તેા પણ મને જગાડે નહિ; એ જાણીને કે મારી ઊંઘ ન બગડે અને મને આરામ મળે. ખાવા-પીવાની બાબતમાં કોઈ તકરાર નહિ. હું જે બનાવું એ હસતા મોંએ ખાઈ લે. હું કો’કવાર ઉદાસ હોઉ તેા મારી પાસે બેસી ઉરની વાત કઢાવીને જ જંપે. મારા મનને બહેલાવવા બહાર લઈ જાય. મારો જન્મદિન ભૂલ્યા વગર દરેક વખતે નવી નવી ભેટો લઈ આવે.’

પછીતો કેવા સંજોગોમાં બંને મળ્યા. સમાજ અને સગાઓ સામે કેવી રીતે ઝઝૂમ્યા. એક બીજાને મેળવવા કેવી ને કેટલી રાહ જોઈ વગેરે વગેરેના વિચારોમાં એ ઊંડી ઉતરી ગઈ!

કંદર્પ બારણું ખોલી ઘરમાં આવ્યો.

સોફા પર વિચારોમાં મગ્ન થઈ બેઠેલી અનુજાની નજીક એ ગયો. નીચા નમી એણે અનુજાનું નાકનું ટેરવુ ઘીમેથી હલાવ્યું. અનુજાની વિચારમાળા તૂટી. કંદર્પ સામે જ ઉભો છે એનું એને ભાન થયું. એ ઊભી થઈ ગઈ. કંદર્પને જોરથી ભેટી પડતાં બોલી; ‘કેમ આટલું બઘુ મોડું કર્યું ?’
‘કેમ ! મે તને ગઈ કાલે તેા વાત કરેલી કે ઓફિસેથી છૂટી હું આપણા મકાન માટેની જમીન જોવા જવાનો છું’. સ્પષ્ટતા કરતાં કંદર્પે કહ્ય્યું.

કંદર્પને આગળ બોલતો અટકાવવા એણે એના ઓષ્ઠ કંદર્પના ઓષ્ઠ સાથે બીડી દીઘા !

બંનેના ઉરની ઉષ્મા પર પંખો સંતોષની શીતળતા ઢાળી રહ્ય્યો !

પાંખડી કે ડાળખી? (લઘુકથા) 0 ચીમન પટેલ ‘ચમન’ January 19, 2009

Posted by chimanpatel in : Uncategorized , add a comment

ગરમીથી બચવા, યાડૅનું કામ જટપટ પતાવી હું ઘરમાં આવ્યો. ઠંડા પડવા ઠંડુ પાણી પીવા હું રસોડામાં ગયો. ઠંડા પાણીનો પહેલો ગુંટડો મે હજું ગળે ઉતાર્યો નથી ત્યાં સાંજે જમવા આવનાર મહેમાનો માટે રસોઇ કરતી પત્નીએ પૂછ્યું ‘યાડૅમાં ફરી જવાના?’
‘આજે ખૂબ ગરમી છે એટલેતો બીજા કામ પુડતા મૂકી અંદર આવી ગયો. બોલો,આપની શું સેવા કરી શકું?’

‘મીઠા લીમડાના બેએક પાંખડા લાવી આપશો?’

એમની નમ્રતા જોઇ હું ના ન પાડી શક્યો!

મીઠા લીમડાના કુંડા પાસે પહોચી, વાંકા વળતાં વિચાર આવ્યો કે પત્નીએ બે પાંખડા કે બે ડાળખાં મંગાવ્યા છે? ઘરમાં જઇ સ્પષ્ટતા કરવાનો વિચાર ઘડીભર માટે આવી ગયો, પણ પુરુષ અને એમાં પટેલની જાત કંઇ નમતું આપે ?

મૂઝવણમાં માનવીને ભગવાન જરુંર સાંભળી આવે છે !

શનીવાર હતો એટલે હનુમાનજીને યાદ કયૉ. સંજીવની માટેની એમની મૂઝવણમાં એ જેમ આખો પર્વત ઊપાડી લાવ્યા હતા એમ હું આખું કૂંડંુ ઊપાડી પત્ની પાસે પહોચી ગયો.

મને કૂંડા સાથે જોઇ આશ્વ્ચર્યમાં ડૂબી પત્ની બોલી ઊઠી, ‘આ કઢીમાં નાખવા મે તો બે પાંખડા તમારી પાસે મંગાવ્યા હતા ને તમે તો આખું કૂંડંુ ઊપાડી લાવ્યા!! બળતામાં ઘી નાખતાં એમણે ઉમેર્યુંંઃ ‘હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા !’

એમને ઠંડા પાડવા મે મારી પાંખડાની અને ડાળખાની મૂઝવણની વાત કરી.

કપાળે હાથ મૂકતાં એ બોલ્યાઃ ‘ઓ ભગવાન! લેખક થઇને પાંખડા અને ડાળખાની તમને ખબર નથી!?’

મારો ૨૦૦૯ નો સંકલ્પ 0 ચીમન પટેલ ‘ચમન’

Posted by chimanpatel in : Uncategorized , 1 comment so far

૨૦૦૯ના પ્રથમ દિવસે અમારી બંનેની વચ્ચે અણઘાર્યો અચાનક એક એવો નિર્ણય લેવાઇ ગયો!

નવા વર્ષે વહેલા ઉઠી (ભલે બાકીના દિવસોમાં સૂર્યવંશી હોઇએ ) જવા માટે ઘાર્મિક ઘક્કો ઘણાને વાગતો હોય છે. આ કારણે આ દિવસે ઘણા વહેલા ઉઠી જાય છે, પણ શ્રીમતીજી આજે ઘાર્યા કરતાં મોડા ઉઠ્યા હતાં ! વાસ્તવમાં, આજે એમને વહેલા ઉઠવાની ખાસ જરુંર હતી કારણકે આજે એમણે કેટલાક મિત્રોને જમવા બોલાવ્યા હતા.

જેવા એમને મેં ત્રીજી વારના જગાડ્યા અને સમયનું ભાન કરાવ્યું કે એ ઝબકીને જાગતાં બોલ્યા; ‘બાપરે… સાડા નવ વાગી ગયા! મને વહેલી કેમ ન જગાડી?’
ચોર કોટવાલને દોષિત ઠરાવે એવો એમનો ટોન જોઇ હું બોલ્યો;
‘મેમ, અત્યાર સુઘીમાં મેં તમને ત્રણ વાર જગાડ્યા! પહેલી વાર સાડા સાત વાગે, બીજી વાર સાડા આઠ વાગે અને આ ત્રીજી વાર સાડા નવ વાગે!’

સવારના અમારા રોજિંદા સંવાદો પાછા આ નવા વર્ષે શરું ન થઇ જાય એ બીકે હું મારી ઓફિસ તરફ પ્રયાણ કરી ગયો.

સવારમાં ગરમ પાણીના મીઠાના કોગળા કરવાનો મારા ક્રમ પડી ગયો છે એ કારણે મારે રસોડામાં પ્રવેશ કરવો પડ્યો એમની હાજરીમાં.

મીઠાની પ્લાસ્ટીકની બરણી લેતાં, ઘણા દિવસથી ઘર કરી ગયેલી એક વાત કાઢતાં મેં શ્રીમતીજી પૂછ્યું; ‘આ પ્લાસ્ટીકની બરણી તું જે રીતે મૂકે છે એ રીતે હું પાછી નથી મૂકતો એની તને ખબર છે?’
‘હા, મને ખબર છે! હું કંઇ ડફોર નથી !?’ ઊંચા અવાજે એમણે મને પડકાર કર્યો.

અમારી આ પ્લાસ્ટીકની બરણી પર હાથની પક્કડ માટે એક ખાંચો પાડેલો છે. ડાબા હાથે પક્કડવામાં મને સરળતા રહે એટલે હું એ ખાંચો ડાબી તરફ રહે એ રીતના હું એને મૂકું છું અને શ્રીમતીજી એ ખાંચો એમની તરફ બહાર પડતાં રહે એમ એ મૂકે છે. આ અંગેની અમારી વચ્ચે આજ સુઘી કોઇ ચર્ચા થઇ નથી! કજીયાનું માં કાળુ એ કારણે જ આજ સુઘી એ વાત ચર્ચાઇ નથી !! કોણ જાણે આજે આ બેસતા વર્ષના દિવસે જ એને બહાર આવવાનું મન થયું?

‘કેમ કંઇ બોલ્યા નહિ?’ મને પડકારતાં શ્રીમતીજી બોલ્યા. ‘મારે એ વાત કાઢવી હતી, પણ ઘરકામમાં હું એ ભૂલી જતી હતી. સારું થયું કે તમે જ એ વાત આજે કાઢી.

મારી રીતે એ પ્લાસ્ટીકની મીઠાની બરણીને મૂકવાના ફાયદાએાના પાસા મેં ફેક્યા. મગજની શેતરંજ પર એ હજુ ઉભા રહી જાય એ પહેલાં જ શ્રીમતીજી તાડૂકી ઉઠ્યા!

‘રસોડું મારું છે. એમાંની ચીજો મારે જે રીતે જોઇએ એ રીતે હું ગોઠવું છું તો તમે એને શા માટે ફેરવો છો? તમારી ઓફિસમાં જઇ તમે ગોઠવેલી વસ્તુંઓને હું ફેરવી દઉ તો તમને એ ગમશે?’ એકી શ્વ્વાસે એ બોલી ગયા.

શું જોડદાર પડકારતો પ્રત્યુંત્તર મળ્યો હતો મને ! આટલા વર્ષોમાં આજે આ રીતે અને તે પણ બેસતા વર્ષના દિવસે !! એમના એક જ વાક્બાણે એમણે મને મૂર્છિત કરી દીઘો !!!

અંદરની આંખો ખોલી, હાર સ્વીકારતાં હું બોલ્યો; ‘ચાલો આજે આ બેસતા વર્ષના દિવસે હું સંકલ્પ કરું છું કે રસોડાની બાબતોમાં મારે હવેથી માથું મારવાનું બંઘ’. આટલું બોલી, ઓફિસભણી પગ ઉપાડું છું ત્યાં જ શ્રીમતીજી ઉવાચ:

‘બોલ્યા છો તો હવે પાળી પણ બતાવજો!’

મહેણાનો માર તો નરસિંહ મહેતાને પણ મળ્યો હતો તો મારા જેવાનું તો શું?

માં ફેરવી, ભારે હૈયે, હું મારી ઓફિસ તરફ પ્રયાણ કરી ગયો.

— ૦૪જાન્યું‘૦૯

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.