ક્યારે આવશે ભાન? November 24, 2012
Posted by chimanpatel in : કાવ્યો , 8 comments(રાગઃ એક મુરખને એવી ટેવ…..)
એક ડાહ્યાને એવી ટેવ,
પ્રસાદ માટે પૂજે દેવ.
ન્હાયા વગર ન અડે,
નેતાઓના પગે પડે.
લસણ ડુંગળી ના ખાય,
મસાલાથી મોઢું ગંધાય.
ફરે લઇ હાથમાં માળા,
ભક્તિના કરીલે ચાળા.
વાર તહેવારો ખૂબ કરે,
બોલે ત્યારે અંગારા ઝરે.
ગરજે ગધાડાને બાપો કહે,
જીભ પર જાણે ગંગા વહે.
કપટ કરી કરી કમાણી કરે,
ગળે માળાઓ નાખી ફરે.
બોધ બધાને બહું આપે,
સ્વાર્થમાં લોકોના પગ કાપે.
ડીગ્રી મેળવી ના’વ્યું જ્ઞાન,
ક્યારે આવશે ‘ચમન’ ભાન?
* ચીમન પટેલ “ચમન”